ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂગાદી શ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરે શિવ ભક્તો પરમ પૂજ્ય ધર્મધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજી મહારાજની પ્રેરણાથી પૂજારી શ્રી કાર્તિકપુરીજી ગુરૂશ્રી શિવપૂરીજી,શ્રી ભરતપુરી ગુરૂશ્રી ઘનશ્યામપુરીજી(કોઠારી )ના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસના દરેક સોમવારે ભગવાન શંકરના વિવિધ સ્વરૂપોની અદભૂત ઝાંખીનું આયોજન કરવામાં આવે છે.
શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી ગ્વાલીનાથ મહાદેવ મંદિરમાં શ્રી ભૂતનાથ મહાદેવની વિશેષ ઝાંખી બનાવવામાં આવી હતી.જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.શિવાલયમાં ચારે તરફ ભયાનક ભૂત જેવી આકૃતિવાળા ચહેરાઓની સજાવટ કરવામાં આવી હતી.તેમજ શ્રી ભૂતનાથ મહાદેવના શિવલિંગની ચારે બાજુ માનવ ખોપરીઓની પ્રતિકાત્મક સજાવટ કરવામાં આવતા સમગ્ર મંદિરનું વાતાવરણ અલૌકિક અને બની ગયું હતું.
ભગવાન શ્રી ભૂતનાથ મહાદેવ ની આ અનોખી ઝાંખીનાદર્શન કરવા માટે વિશાળ સંખ્યામાં તાણા-થરા નગરજનો માંથી શિવભક્તોની ભીડ ઉમટી પડી હતી.ભક્તો પોતાના મોબાઈલ માં આ અદભૂત ઝાંખીને કેદ કરતા નજરે પડ્યા હતા.
શ્રી ભૂતનાથ મહાદેવના આ અલૌકિક અને અદભૂત સ્વરૂપના દર્શન કરીને તમામ શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી.હાઈવે બહુચરાજી તથા નીલકંઠ મહાદેવ મંદિરે શિવ ભક્તો દ્વારા શ્રાવણ માસમાં અભિષેક આરાધના પૂજા અર્ચન વિધિ કરવામાં આવી પૂજારી મુકેશપુરી ગૌસ્વામી તથા ટ્રસ્ટે સોમવારે સવાર સાંજ પ્રસાદની વ્યવસ્થા દાતાઓના દાન થકી કરી હતી. આ શિવાલયમાં ભક્તોની ભીડ ત્રણસો પાંછઠ દિવસ રહે છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




