મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે ઉદ્ઘાટન સમારોહ:

પાટણ: જીવનજ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટણ જનતા હોસ્પિટલ ખાતે આગામી ૧ નવેમ્બરના રોજ નવનિર્મિત અદ્યતન ‘પી.બી. પાટણ જનતા કેન્સર હોસ્પિટલ’નો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક સેવાકાર્યના શુભારંભ અનુલક્ષીને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં પાટણ જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખભાઈ પટેલ, પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, ડૉ. પ્રમોદભાઈ પટેલ, ડૉ. જે.કે. પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ તેમજ કશ્યપભાઈ પટેલ સહિતના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપતાં પાટણ જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખલાલ પટેલે જણાવ્યું હતું કે, ઉદારમના દાતાશ્રીઓના અમૂલ્ય સહયોગથી પાટણની ભૂમિ પર આકાર પામેલી આ પી.બી. કેન્સર હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે અને તે માત્ર પાટણ જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતની એકમાત્ર કેન્સર હોસ્પિટલ બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે પાટણ જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત અને સરહદી રાજ્ય રાજસ્થાનના છેવાડાના જરૂરિયાતમંદ દર્દીઓને પણ આ આધુનિક આરોગ્ય સેવાનો સીધો લાભ ઘરઆંગણે મળશે.
તબીબી અને ટેકનિકલ સુવિધાઓ અંગે પત્રકારોને વિગતવાર માહિતી આપતાં ડૉ. પ્રમોદભાઈ પટેલે જણાવ્યું હતું કે, આશરે ₹૬૫ કરોડના માતબર ખર્ચે અત્યંત આધુનિક સુવિધાઓ અને વિશ્વસ્તરીય મશીનરી સાથે સજ્જ પી.બી. કેન્સર હોસ્પિટલ હવે દર્દીઓની સેવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. કેન્સરના સચોટ નિદાન અને આધુનિક સારવાર અર્થે ₹૨૨ કરોડ અને ₹૧૫ કરોડની કિંમતના બે અત્યાધુનિક મશીનો હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અગાઉ સામાન્ય રીતે જે પ્રકારના ટેસ્ટ અને તપાસ માટે દર્દીઓએ અમદાવાદ સુધી ધક્કા ખાવા પડતા હતા અને ત્યાં ₹૨૫ થી ₹૨૭ હજારનો ખર્ચ તેમજ અવરજવરનું ભારે ભાડું ખર્ચવું પડતું હતું, તે તમામ ટેસ્ટ અહીં સરકારની યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા દર્દીઓ માટે બિલકુલ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ ઉપરાંત, પેઇડ પેશન્ટ્સ માટે પણ અન્ય ખાનગી સંસ્થાઓ કરતાં લગભગ ૫૦ ટકા જેટલા રાહત દરે આ સારવાર ઉપલબ્ધ બનાવાશે. દર્દીઓની સારવાર અને સર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ એક્સપર્ટ તબીબોની એક પૂર્ણકાલીન સમર્પિત ટીમ પણ અહીં સેવારત રહેશે.
હોસ્પિટલના લોકાર્પણ અને કાર્યક્રમની રૂપરેખા આપતાં પાટણ જનતા હોસ્પિટલના ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પાટણ જનતા હોસ્પિટલ સફળતાપૂર્વક લોકસેવાના ૨૫ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. આજથી ૨૫ વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે પાટણ જનતા હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આ રજત જયંતિના ઐતિહાસિક તબક્કે આગામી ૧ નવેમ્બરના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવીન પી.બી. કેન્સર હોસ્પિટલનો શુભારંભ થશે. ૧ નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવી પી.બી. કેન્સર હોસ્પિટલ ખાતે સ્મૃતિ તક્તીનું અનાવરણ કરવામાં આવશે, ત્યારબાદ દાતાશ્રીઓ, ટ્રસ્ટીઓ અને શહેરના અગ્રણીઓની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં બપોરે ૩:૦૦ કલાકે એપીએમસી (APMC) હોલ, પાટણ ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ તથા ઉપસ્થિત મહાનુભાવો અને દાતાશ્રીઓનો સન્માન કાર્યક્રમ યોજાશે. ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ પટેલે ₹૬૫ કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલનો સમગ્ર શ્રેય પાટણ જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખભાઈ પટેલને આપતાં સ્પષ્ટ કર્યું હતું કે મનસુખભાઈના અથાક પરિશ્રમ અને દાતાશ્રીઓએ તેમના નેતૃત્વમાં મૂકેલા અતૂટ વિશ્વાસના કારણે જ આ ભગીરથ સેવાકાર્ય સાકાર થઈ શક્યું છે.
પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલે ચેરમેન મનસુખભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમને અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, પાટણ જનતા હોસ્પિટલના ચેરમેન મનસુખભાઈ પટેલના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો અને દાતાશ્રીઓના અપ્રતિમ સહયોગના પરિણામે પાટણમાં આ પ્રકારની અતિઆધુનિક કેન્સર હોસ્પિટલ નિર્માણ પામી છે, જેનાથી ગરીબ અને સામાન્ય વર્ગના કોઈપણ જરૂરિયાતમંદ દર્દીને અત્યંત રાહત દરે ઉત્કૃષ્ટ કક્ષાની સારવાર ઉપલબ્ધ બનશે. પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત ડૉ. જે.કે. પટેલ, જયંતિભાઈ પટેલ તેમજ કશ્યપભાઈ પટેલે પણ આ આરોગ્ય સંકુલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે જીવનદાયી પુરવાર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.




