​પાટણ SOGની કાર્યવાહી: ચાણસ્મા પોલીસ મથકના ગુનામાં નાસતા-ફરતા આરોપીને દબોચી સિટી બી-ડિવિઝન પોલીસને સોંપાયો

ચાણસ્મા પોલીસ મથકના ગુનામાં નાસતો-ફરતો આરોપી પાટણ-ઊંઝા હાઈવે પરથી ઝડપાયો

પાટણ એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે હાંસાપુર બસ સ્ટેશન પાસેથી બોરસણના શખ્સને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી

પાટણ, બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા પાટણ જિલ્લાના તેમજ અન્ય જિલ્લાના નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે આપવામાં આવેલી સૂચના અન્વયે પાટણ એસ.ઓ.જી. (SOG) શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન એસ.ઓ.જી. સ્ટાફના માણસો ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં નીકળ્યા હતા ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૭૦૦૬૨૬૦૭૬૧/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૭(૨), ૩૧૭(૫), ૩૧૮(૪) અને ૬૧(૨)(એ) મુજબ નોંધાયેલા ગુનામાં નાસતો-ફરતો આરોપી કિશનજી ઉર્ફે ભોલો નગાજી ઠાકોર (રહે. બોરસણ, તા.જી. પાટણ) હાલમાં પાટણ-ઊંઝા હાઈવે પર આવેલા હાંસાપુર બસ સ્ટેશન પાસે બોરસણ જવાના રસ્તે ઊભો છે અને તેણે શરીરે સફેદ તથા વાદળી કલરની ટી-શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલું છે.

મળેલી બાતમી અને વર્ણનના આધારે એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક હકીકતવાળી જગ્યાએ પહોંચી કોર્ડન કરી આરોપી કિશનજી ઉર્ફે ભોલો નગાજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી કરવા સારુ પાટણ સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી. પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરી, એસ.ઓ.જી. પી.એસ.આઈ. ડી.કે. ચૌધરી, એસ.ઓ.જી. પી.એસ.આઈ. એ.પી. ઠાકોર, એ.એસ.આઈ. બળદેવસિંહ પ્રવિણજી તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રંભાજી બાલાજી જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here