Patan :
23 માર્ચ શહીદ દિવસ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્યાવર્ત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા માતૃભૂમિને આઝાદ કરાવવા પોતાનું બલિદાન આપનાર શહીદવીરો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
વૈદિક નદીના કિનારે સહસ્ત્ર તરુવન ખાતે ઉપસ્થિત સૌ સુજ્ઞ નાગરિકો દ્વારા વૃક્ષો વાવી, દીપ પ્રગટાવી , મૌન પાળી અને ભારતમાતાને શક્તિશાળી બનાવવા ગ્રીન કમાન્ડોના સંકલ્પ લઇ ચકલીઘર તથા પાણીના કુંડા વિતરણ કરી પ્રાકૃતિક વિરાંજલી આપવામાં આવી હતી.

સંસ્થાના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા દેશના સૌ નાગરિકોને વિનંતી સહ આહવાન કરવામાં આવ્યું હતું કે અમોએ આજે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ત્રણ વૃક્ષો વાવી, 1000 પાણીના કુંડા અને 1000 ચકલીઘર વિતરણ કરી વિરાંજલી અર્પિત કરી છે, એ જ રીતે દરેક નાગિરકો આખા વર્ષમાં ત્રણ વૃક્ષો દેશીકુળના વાવી, ઉછેરીને શ્રદ્ધાંજલિ આપે તો લાખો કરોડો વૃક્ષો ઉછરે અને પ્રકૃતિનું સાચું સંરક્ષણ એવમ સંવર્ધન થાય અને ભારતમાતાનું પર્યાવરણીય રક્ષણ થાય જે આજના સમયની માંગ છે. સાથે સાથે આદર્શ નાગરિક બની રાષ્ટ્ર માટે જીવવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે પાટણ જિલ્લા કાયદા અધિકારી દિલીપસિંહ રાજપુત, ડો. કાંતિભાઈ પટેલ, ડો. રશ્મિન પટેલ, સામાજિક અગ્રણી પ્રવિણસિંહ રાજપૂત, NSS ના વિધાર્થીઓ, શિક્ષકો વિવેકભાઈ દવે, પ્રજ્ઞેશભાઈ ,બાળકો વગેરે ઉપસ્થિત રહી શહીદ દિવસની ઉજવણી કરી હતી…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



