Patan : પાટણ માર્કેટયાર્ડમાં રાયડાની રોજની 20 હજાર બોરીની આવક, રૂ. 1200થી 1300 સુધીના ઉંચા ભાવ મળતા ખેડૂતો ખુશ ખુશાલ

પાટણ જિલ્લામાં રાયડાનું વાવેતર વધારે હોવાથી આ
વખતે રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું ગત વર્ષે આ સમયગાળામાં રાયડાનો ભાવ રૂપિયા
900થી 1000 જેટલો નોંધાયો હતો

Patan : પાટણ ગંજ બજાર ખેતીના વિવિધ પાકોની આવક, માલની હરાજી અને ખરીદ વેચાણની પ્રવૃત્તિથી હર્યુંભર્યું બન્યું છે. કુદરતની મહેરબાનીથી ખેડૂતોને સારા ઉત્પાદન સાથે રાયડો, જીરૂ, એરંડા, વરિયાળી જેવા પાકોના ઊંચા ભાવ પણ મળી રહ્યા હોવાથી ખેડૂતો હરખભેર તેમનો માલ વેચવા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. નોંધનીય છે કે પાટણ માર્કેટયાર્ડમાં રાયડાની રોજની 20 હજાર બોરીની આવક થઈ રહી છે, જેમાં પ્રતિ મણે રૂ. 1200થી 1300 સુધીના ઉંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

પાટણ જિલ્લામાં આ વખતે 38 હજાર 894 હેક્ટરમાં રાયડાની ખેતી થઈ છે. રાયડાનું વાવેતર અને ઉત્પાદન વધારે હોવાથી આ વખતે રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે. ખેડૂતોના મતે ખેતરોમાં રાયડાની કાપણી અને ઉત્પાદન લેવાની પ્રક્રિયા પૂર્ણતાના આરે પહોંચી છે. જેના કારણે છેલ્લા અઠવાડિયાથી પાટણ, હારીજ સહિતના માર્કેટયાર્ડમાં રાયડાની વિપુલ આવક શરૂ થઇ ગઇ છે. દર વર્ષે એક વીઘા જમીનમાં 15થી 25 મણ ઉત્પાદન થતું હતું, તેના બદલે આ વખતે 20થી 30 મણ ઉત્પાદન મળી રહ્યું છે એટલે કે ઉત્પાદનમાં 5 મણનો વધારો થયો છે.

બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજની 20 હજાર બોરી જેટલી રાયડાની આવક થઇ રહી છે. ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને ભાવ પણ પોષણક્ષમ મળી રહ્યા છે. જેથી ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. હાલમાં પ્રતિ મણે રૂ. 1200 થી 1300 સુધીના ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે આ સમયગાળામાં રાયડાનો ભાવ રૂપિયા 900થી 1000 જેટલો નોંધાયો હતો.

પાટણ એપીએમસીમાં પાટણ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો તેમની ખેત પેદાશોનું વેચાણ કરવા માટે આવતા હોઈ સમગ્ર માર્કેટયાર્ડ ધમધમતું જોવા મળી રહ્યું છે. હાલમાં પાટણ માર્કેટયાર્ડમાં રાયડાની વિપુલ આવક થવાના કારણે ઠેરઠેર રાયડાના ઢગલા જોવા મળી રહ્યા છે. હાલમાં પાટણના નવા ગંજ બજારમાં રાયડો, એરંડા, જીરૂ તેમજ કપાસની વધારે આવક જોવા મળી રહી છે અને ગત વર્ષની તુલનાએ ભાવ પણ ઊંચા મળી રહ્યા હોવાથી ખેડૂત વર્ગમાં ખુશીની લાગણી છે. જો કે વેપારી વર્ગમાં જોઈએ તેવી ખુશી જોવા મળી રહી નથી.

આ અંગે ગંજબજારના જાણીતા વેપારી આગેવાન હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ સારું છે. કુદરતની મહેરથી ખેડૂતોને સારું ઉત્પાદન અને સારા ભાવ મળી રહ્યા હોઈ ખેડૂતો રાજી થઈને માલ વેચવા આવી રહ્યા છે. પાટણ માર્કેટયાર્ડમાં અત્યારે રાયડાની રોજની 20 હજાર બોરીની આવક છે. ભાવ પણ રૂ. 1300 જેટલા મળી રહ્યા છે. કપાસના મણે રૂ. 2000-2100, વરિયાળીના રૂ. 2500, એરંડાના રૂ. 1450 જેવા ભાવ મળી રહ્યા છે. જેથી ખેડૂતોની આવક ડબલ કરવાનું વડાપ્રધાનનું સ્વપન જાણે કુદરત પુરૂ કરી રહી હોય એમ તેમણે જણાવ્યું હતું…..!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

Patan's Devda

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here