અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – પાટણ જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક, ઉ. મા. અને આચાર્ય સંવર્ગની કારોબારી બેઠક મળી.

વિનિયમોમાં સુધારા અને ૩૬૦ ડીગ્રી મૂલ્યાંકન બાબતે ચિંતન કરવામાં આવ્યું

શૈક્ષિક મહાસંઘ શિક્ષકોનું વિશ્વનું સૌથી મોટું સંગઠન છે : જીતેન્દ્રભાઈ ઠાકર

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કાર્યરત સંગઠન એટલે શૈક્ષિક મહાસંઘ : મિતેશભાઈ ભટ્ટ

તારીખ ૧૮ એપ્રિલ ને શુક્રવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પાટણ જિલ્લાના ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સંવર્ગની જિલ્લાની કારોબારી બેઠક મળી હતી. જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માન. શ્રી ભીખાભાઈ પટેલ, ગુજરાતના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ, માધ્યમિક સંવર્ગના મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર, પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ, આચાર્ય સંવર્ગના સહ સંગઠન મંત્રી રમેશભાઈ ચૌધરી, મહામંત્રી ડૉ. રૂપેશભાઈ ભાટિયા, કોષાધ્યક્ષ ચિરાગભાઈ પટેલ, ઉત્તર સંભાગના સંગઠન મંત્રી બાબુભાઈ દેસાઈની પ્રેરક અને પ્રોત્સાહક ઉપસ્થિત રહી હતી.

કારોબારી બેઠકમાં પ્રારંભમાં પરિચય અને સ્વાગત કર્યા બાદ નવનિયુક્ત આચાર્ય તરીકે નિમણૂંક પામેલ વિપુલભાઈ પટેલને કહોડા સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય બનવા બદલ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ ૧-૦૪-૨૦૦૫ પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ અપાવવા બાબતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

માધ્યમિક, ઉ. મા. અને આચાર્ય સંવર્ગના જિલ્લા અને તાલુકાની જવાબદારી વાળા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના પ્રારંભમાં પ્રાચાર્ય સંવાદ અભિયાન વિષય પર ડૉ. ધનરાજભાઈ ઠક્કરે વિસ્તૃત સમજ આપી. અભિયાનનો હેતુ અને લાભ વિશે વાત કરી હતી.

મંડલ રચના વિશે ડૉ. રૂપેશભાઈ ભાટિયાએ સમજ આપી હતી. મંડલ રચના શા માટે જરૂરી છે ? એની સ્પષ્ટતાઓ આપી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે દરેક મંડલમાં પ્રાથમિક, ગ્રાન્ટેડ માધ્યમિક અને સરકારી માધ્યમિક શાળાઓનો સમાવેશ થશે. જેમાં સંકલન કરવા માટે મંડલ દીઠ સંયોજક, સહ સંયોજક અને મહિલા પ્રતિનિધિની જવાબદારી રહેશે. તેમજ આગામી સમયમાં મંડલના કાર્યકર્તાનું નામ સહ સંયોજક તરીકે નક્કી કરીને આપવામાં આવશે.

આગામી વર્ષે સદસ્યતા અભિયાન વિશે પસાભાઈ દેસાઈએ આયોજન સમજાવ્યું હતું. તેઓએ જણાવ્યુ હતુ કે સદસ્યતા માટે સંપર્ક અને પ્રવાસ અગત્યના છે. માટે આપણે સૌ સંપર્ક વધારીએ, તો સદસ્યતામાં આપમેળે વધારો થશે.

રમેશભાઈ ચૌધરીએ વિનિમય સુધારા સમિતિ અને ૩૬૦ ડીગ્રી મૂલ્યાંકનની સમિતિ વિશે સમજ આપીને સર્વેને કહ્યું કે, આ બંને વિષય પર અભ્યાસ કરીને લેખિત સૂચનો આપવા. આ સિવાય અધ્યયન કરી શકે એવા કાર્યકર્તાઓને શોધવા અને કાર્ય સોંપવું.

સંવર્ગના પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં એકમ કસોટીની વિસંગતતાઓ તથા ઓનલાઈન માર્ક્સ નાંખવાની પદ્ઘતિ દૂર કરવી, ૩૦૦ રજાઓનું રોકડ રુપાંતરનો લાભ અપાવવા બાબત, પાંચ વર્ષના ફીક્સ પગારની નોકરી ગ્રેજ્યુઈટીમાં ગણતરી ધ્યાનમાં લેવી, ફીક્સ પગારના કર્મચારીઓએ નહીં ભોગવેલી મેડીકલ રજાઓ તમામ સહાયકોને લાભ મળે તેવો ઠરાવ કરાવવો, ઉચ્ચતર માધ્યમિક માં ૨૦૦૫ પહેલા લાગેલા શિક્ષકોને એક ઈજાફાનું નુકસાન છે તે વિસંગતતા દૂર કરાવવી, HMAT ને બદલીનો લાભ અપાવવા, ભરતી માટેની કોઈપણ પરીક્ષા લેવાય તે આજીવન માન્ય રાખવી, વિદ્યાર્થીની સરાસરીમાં ઘટાડો કરવો, આચાર્યોનું પગાર ધોરણ અલગ કરાવવું, આચાર્યોને વાહન ભથ્થામાં વધારો કરાવવો વગેરે બાબતો રાજ્યના હોદ્દેદારોને ધ્યાનમાં લાવ્યા હતા.

માધ્યમિક સંવર્ગના મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકરે સંગઠનાત્મક મજબૂતાઈ વધે એવા કેટલાક સૂચનો કર્યા. જેમાં આપણી રજૂઆતો તથા મળેલી સફળતા દરેક શિક્ષકો સુધી પહોંચાડવા વિવિધ ગ્રુપો બનાવવા અને ગ્રુપોમાં જોડવા કહ્યું હતું.

અંતે અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટે કહ્યું કે, હવે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સ્વીકૃતિનો સમય છે, એટલે આપણે સૌએ સક્રિય થવાની જરુર છે. આપણે રાજ્યમાં રજૂઆત કરીએ છીએ, એ રીતે જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં નિયમિત મુલાકાત કરીએ. આપણાં સંગઠનની વિશેષતા બધા વિચારે અને સામૂહિક રજૂઆત કરવી એ છે. સામૂહિકતાનો ભાવ એ જ સંગઠનનો પ્રાણ છે. આપણે સૌ સંગઠન પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખી કાર્ય કરીએ તેમ મિતેશભાઈ ભટ્ટે જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here