ધીરજ, જુસ્સો અને સતત મહેનત – એ જ જીવન અને વિજ્ઞાનમાં જીતવાનો મંત્ર છે– ડૉ. આર્યા
પડકારો વચ્ચે ધીરજ રાખો, નિષ્ફળતા એ સફળતાની સીડી છે – ડૉ. આર્યા
પાટણ : નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES),પાટણ સ્થિત કેમ્પસમાં ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રોફ. (ડૉ.) આશુતોષ આર્યા વિશિષ્ટ મુલાકાત યોજાઈ. આ પ્રસંગે એન.જી.ઈ.એસ. કેમ્પસના પ્રો. જય ધ્રુવ એ ડૉ. આર્યાનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને શાલ-થી સન્માનિત કર્યા હતા . ડૉ. આર્યાએ પોતાના વર્ષોનાં પ્રાયોગિક અનુભવના આધારે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે કેવી રીતે ઈસરો એક સમયે સીમિત સાધનો અને સ્ટાફ સાથે શરૂ થયું હતું અને આજે વિશ્વની અગ્રણી સ્પેસ એજન્સી તરીકે ઉભરી આવ્યું છે.
તેમણે ખાસ કરીને ચંદ્રયાન અને મંગલયાન મિશન દરમિયાન આવેલા પડકારો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. ડૉ. આર્યાએ સમજાવ્યું કે મિશન દરમિયાન અનેક ટેક્નિકલ મુશ્કેલીઓ અને અનિશ્ચિત પરિસ્થિતિઓ ઊભી થઈ, પરંતુ ટીમે ધીરજ, શાંતિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તેનો સામનો કર્યો. તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે આવા પ્રોજેક્ટમાં ક્યારેય હાર માનવી નથી, કારણ કે વિજ્ઞાનમાં દરેક નિષ્ફળતા એ નવી શીખ અને સફળતાની પહેલી સીડી છે. વિદ્યાર્થીઓ માટે ખાસ આકર્ષણ બની રહ્યું હતું જ્યારે તેમણે ચંદ્ર અને મંગળના ઉચ્ચ ગુણવત્તાવાળા વાસ્તવિક ફોટોગ્રાફ્સ રજૂ કર્યા.સાથે જ, ડૉ. કે.સી. પોરિયા સાહેબે વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધારવા, નવા પ્રશ્નો પૂછવા અને સંશોધન તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય વિકાસનો આધાર વૈજ્ઞાનિક વિચારસરણી અને નવીનતા છે.
આ સમગ્ર કાર્યક્રમમાં NGES કેમ્પસના 800 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમનું માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે એક અવિસ્મરણીય પ્રેરણા અને જીવનમાં આગળ વધવા માટે દિશાસૂચક સંદેશ સાબિત થયું.. જય ધ્રુવ એ જણાવ્યું હતું કેNGES કેમ્પસ દ્વારા ભવિષ્યમાં પણ આવા પ્રેરણાદાયક કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને દેશ-વિદેશના પ્રતિભાશાળી અને પ્રેરણાદાયક વ્યક્તિઓનો સીધો સંવાદ મળે અને તેઓ જીવનમાં મોટા સપના જોવાની તથા તેમને સાકાર કરવાની હિંમત મેળવે.