ધારપુર મેડિકલ કોલેજ ખાતે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી: ધારાસભ્ય, કલેક્ટર સહિતના મહાનુભાવોએ ગરબાની રમઝટ માણી…

પાટણ: ધારપુર મેડિકલ કોલેજ (DMC) પરિસરમાં નવરાત્રી પર્વ નિમિત્તે ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કોલેજના HMSA અને JDA ના સંયુક્ત ઉપક્રમે તબીબી વિદ્યાર્થીઓ માટે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ત્રીજા નોરતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી હતી તેમજ વિદ્યાર્થીઓ સાથે ગરબાની રમઝટ માણી હતી.

આ ગરિમાપૂર્ણ ઉત્સવમાં પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી (DDO) શ્રી સી. એલ. પટેલ, અધિક કલેક્ટર ડૉ. બરાસરા, સીઈઓ ડૉ. રામાવત, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ (MS) ડૉ. પારુલ શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બેબાશેઠ, ચેસ ગ્રાન્ડ માસ્ટર શ્રી બાકરે, કોર્પોરેટર ડૉ. બાબુભાઈ પ્રજાપતિ, ડૉ. વિપુલભાઈ મોદી અને પ્રોફેસર ડૉ. પાઠક સહિતના મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના ડીન ડૉ. દિક્ષિત મોઢે ઉપસ્થિત તમામ અતિથિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સલામતી અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે આયોજિત આ પારિવારિક ગરબા મહોત્સવમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી તબીબી વિદ્યાર્થીઓનો ઉત્સાહ બમણો થયો છે.

આ પ્રસંગે કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મેડિકલ કેમ્પસમાં ગરબાનો આ અદ્ભુત માહોલ જોઈને તેમને પોતાના મેડિકલ કોલેજના દિવસો તાજા થઈ ગયા છે. તેમણે પાવન અને અલૌકિક વાતાવરણમાં ઉત્કૃષ્ટ આયોજન કરવા બદલ ડીન તેમજ વિદ્યાર્થી આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મહાનુભાવો અને આયોજક વિદ્યાર્થીઓએ માતાજીની આરતી ઉતારી મન મૂકીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here