નેશનલ ડેફ સ્પોર્ટ્સમાં પાટણનો દબદબો: બહેરા મૂંગા શાળાના ખેલાડીઓએ ૧૩ મેડલ જીતી ઇતિહાસ રચ્યો

​ગુજરાતની સંસ્થાઓમાં એથ્લેટિક્સમાં સૌથી વધુ મેડલ જીતનારી શાળા બની: રમતવીરો પર ૨૫ લાખથી વધુના પુરસ્કારની વર્ષા થશે

​પાટણ:

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં પાટણની ‘એમ.કે. વ્યાસ અને વાય.આર. સાંડેસરા બહેરા મૂંગા શાળા’ના ખેલાડીઓએ મેદાન માર્યું છે. ૨૧ રાજ્યોના ૭૫૦ જેટલા સ્પર્ધકો વચ્ચે પાટણના ૮ બધિર ખેલાડીઓએ કુલ ૧૩ મેડલ જીતીને સમગ્ર દેશમાં પાટણ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

​નેશનલ રેકોર્ડ સાથે સુવર્ણ સફળતા

​આ સ્પર્ધામાં પાટણની દીકરી નિતા આસુરામ રબારીએ ૩ ગોલ્ડ મેડલ જીતવાની સાથે ૮૦૦ મીટર દોડમાં નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કરીને સૌને ચોંકાવી દીધા છે. શાળાના અન્ય ખેલાડીઓમાં:

  • ​ક્રિષ્નુજી ઠાકોર: ૧ ગોલ્ડ, ૧ બ્રોન્ઝ
  • ​કોમલ ડોસાણી: ૧ ગોલ્ડ
  • ​કરીશ્મા દેવીપૂજક: ૨ મેડલ
  • ​પૂજા ઠાકોર: ૨ સિલ્વર
  • ​રાજવીર પંડ્યા: ૧ સિલ્વર
  • ​કાજલ પ્રજાપતિ: ૧ સિલ્વર
  • ​અર્જુન પટણી: ૧ બ્રોન્ઝ

​કુલ ૬ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ સાથે આ શાળા ગુજરાતમાં એથ્લેટિક્સ વિભાગમાં સૌથી વધુ મેડલ મેળવનારી સંસ્થા બની છે.

​રૂપિયા ૨૫ લાખથી વધુનું ઈનામ મળશે

​સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની ‘ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના’ હેઠળ ગોલ્ડ મેડાલિસ્ટને ૩ લાખ, સિલ્વરને ૨ લાખ અને બ્રોન્ઝ મેડાલિસ્ટને ૧ લાખ રૂપિયાની પ્રોત્સાહક રકમ મળવાપાત્ર છે. આ ગણતરી મુજબ વિજેતા ખેલાડીઓને કુલ ૨૫ લાખથી વધુની પુરસ્કાર રાશિ એનાયત કરવામાં આવશે.

​સફળતા પાછળ ટીમ વર્ક

​આ ઐતિહાસિક સિદ્ધિ બદલ શાળાના આચાર્ય અને કોચ ઘેમરભાઈ દેસાઈ તેમજ તેમની ટીમની મહેનતને બિરદાવવામાં આવી રહી છે. ગત વર્ષના ૧૨ અને આ વર્ષના ૧૩ મળીને શાળાએ અત્યાર સુધીમાં કુલ ૨૫ નેશનલ મેડલ મેળવ્યા છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી. વાગડોદા, રમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ અને જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોએ ખેલાડીઓનું મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. મુંબઈ સ્થિત ટ્રસ્ટીઓ અને શાળા પરિવારે પણ આ જીતને પાટણ માટે ગૌરવ સમાન ગણાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here