તમામ કેન્દ્રો પર ક્લાસ વન-ટુ અધિકારીઓનું સુપરવિઝન: લોખંડી સુરક્ષા અને CCTVના પહેરા વચ્ચે શાંતિપૂર્ણ માહોલ


પાટણ: રાજ્યભરની સાથે આજથી પાટણ જિલ્લામાં પણ ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો અત્યંત ઉત્સાહભર્યા અને ભયમુક્ત વાતાવરણમાં પ્રારંભ થયો છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માનસિક તણાવ વગર પરીક્ષા આપી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લાના વિવિધ કેન્દ્રો પર ભારતીય સંસ્કૃતિ મુજબ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મોઢું મીઠું કરાવીને પરીક્ષા માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ચુસ્ત વહીવટી આયોજન અને સુરક્ષા પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાની તમામ પરીક્ષા બિલ્ડિંગો પર ઓબ્ઝર્વર તરીકે ક્લાસ વન અને ટુ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, પાટણ શિક્ષણ વિભાગ દ્વારા ખાસ ‘લોકલ સ્ક્વોડ’ની રચના કરવામાં આવી છે, જે સતત કેન્દ્રોનું આકસ્મિક નિરીક્ષણ કરી રહી છે. તમામ પરીક્ષા ખંડો CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારીનું નિવેદન જિલ્લા શિક્ષણાધિકારી એ.એન. ચૌધરીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, “પાટણ જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. દરેક કેન્દ્ર પર વિદ્યાર્થીઓ શાંતિથી અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી પારદર્શિતા જળવાઈ રહે.”
આરોગ્ય અને પોલીસ સુવિધા પરીક્ષા કેન્દ્રો પર માત્ર પોલીસ બંદોબસ્ત જ નહીં, પરંતુ ઈમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને આરોગ્યની સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે. શિક્ષણ વિભાગના આ સકારાત્મક અભિગમ અને સ્વાગતની પરંપરાને વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ હૃદયપૂર્વક વધાવી લીધી છે. પ્રથમ દિવસે ઉત્સાહભર્યા માહોલમાં પરીક્ષા શરૂ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.




