પાટણ તા. 16
પાટણ શહેરમાં ફેબ્રુઆરી 2023માં બનેલા હત્યા કેસના આરોપી જૈનેશ રાજેશભાઈ વસંતભાઈ તાડાના તેના નાના ભાઈના લગ્નમાં હાજર રહેવા માટે વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પાટણના સેશન્સ જજ એમ.એ. શેખે આરોપીને 16 નવેમ્બર 2025 થી 30 નવેમ્બર 2025 સુધી 15 દિવસ માટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી જૈનેશ પાટણની સબજેલમાં કાચા કામના કેદી તરીકે બંધ છે. તેના પર સરદાર કોમ્પેલેક્ષમાં આવેલા જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા હાર્દિક સુથારની હત્યા કરવાનો આરોપ છે.
આરોપીના વકીલ અમિતભાઈ એમ. ઠક્કરે કોર્ટમાં રજૂઆત કરી હતી કે,આરોપી લાંબા સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે. તે ઘરમાં સૌથી મોટો ભાઈ છે અને તેના પિતાનું તાજેતરમાં અવસાન થયું હોવાથી લગ્નની તમામ વ્યવસ્થા કરવાની જવાબદારી તેની છે. વકીલે ખાતરી આપી હતી કે આરોપી જામીનની તમામ શરતોનું પાલન કરશે.
સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આરોપી સામે ખૂન જેવો ગંભીર ગુનો હોવા
થી મોટી રકમની ડિપોઝિટ કરાવવી જોઈએ અને જામીનના સમયગાળા દરમિયાન આરોપીના સ્વખર્ચે પોલીસ જાપ્તા સાથે તેને વચગાળાના જામીન પર મુક્ત કરવો જોઈએ.
પાટણની સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જૈનેશના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે આરોપીને પાટણ કોર્ટમાં રૂ. 1 લાખની ડિપોઝિટ જમા કરાવવા અને રૂ. 1 લાખના સધ્ધર જામીન તથા જાત મુચરકો રજૂ કરવા આદેશ આપ્યો હતો.
આરોપીને 15 દિવસ માટે લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીન મળ્યા છે.તેને 30 નવેમ્બર 2025ના રોજ સાંજેજેલમાં પરત હાજર થવાની શરત મૂકવામાં આવી છે. ઉપરાંત,અરજદારે નિયમાનુસાર ભરવાપાત્ર થતો પોલીસ જાપ્તાનો ખર્ચ સંબંધિત પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં જમા કરાવવાનો રહેશે અને ડિપોઝિટની રકમ જમા થયા બાદ ઉપરોક્ત સમય દરમિયાન યોગ્ય જાપ્તો પૂરો પાડવાનો રહેશે તેવો હુકમ કરવામાં આવ્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




