પાટણ:
પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના મોટી ભાટિયાવાડ, ઝવેરી બજાર અને અન્ય વિસ્તારોમાં તાજેતરમાં જ લાખોના ખર્ચે પેવર રોડ બનાવવામાં આવ્યા હતા, પરંતુ માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં જ આ રોડની હાલત બદતર થઈ ગઈ છે.

સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે કે, રોડ બન્યાના ચાર મહિના બાદ અચાનક કોન્ટ્રાક્ટર દ્વારા તેના પર લિક્વિડ ડામરનો સ્પ્રે કરી સિમેન્ટ છાંટવામાં આવી હતી. હાલમાં પડી રહેલી ભીષણ ગરમીને કારણે આ ડામર પીગળવા લાગ્યો છે. રોડ એટલો ચીકણો થઈ ગયો છે કે ત્યાંથી પસાર થતા રાહદારીઓના ચંપલ રોડ પર ચોંટી રહ્યા છે. એટલું જ નહીં, રખડતા શ્વાન અને અન્ય પશુઓના પગ પણ આ ઓગળેલા ડામરમાં ફસાઈ રહ્યા છે, જેના કારણે મૂંગા પશુઓ ભારે પીડા ભોગવી રહ્યા છે.
સ્થાનિક વેપારીઓ અને મુસાફરો આ પરિસ્થિતિથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોનું કહેવું છે કે: નાના બાળકોના ચંપલ રોડ પર ચોંટી જવાથી તેમને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. દુકાનદારોના વ્યવસાય પર પણ આ ચીકાશની અસર પડી રહી છે. કોઈપણ જાતની જરૂરિયાત વગર નવા રોડ પર આવું કામ કેમ કરવામાં આવ્યું તે એક મોટો પ્રશ્ન છે.
સ્થાનિક અગ્રણીઓએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકોર અને બાંધકામ વિભાગના અધિકારીઓને આ મામલે તાત્કાલિક તપાસ કરવા વિનંતી કરી છે. લોકોની માંગ છે કે આ કામગીરીમાં થયેલી ગેરરીતિની તપાસ થાય અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી રોડની સ્થિતિ સત્વરે સુધારવામાં આવે.




