હજારો નાગરિકો પાટણના કોલેજગ્રાઉન્ડ,રાણીની વાવ સહિત જિલ્લાભરમાં યોગમય બન્યા…

પાટણ તા. 21
પાટણ શહેર સહિત જિલ્લામાં 21 જૂનના રોજ 12 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વહેલી સવારે વિવિધ સ્થળોએ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમો યોજાયા હતા.
જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પાટણના નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ભરતસિંહ ડાભી સહિતના પદાધિકારીઓ,અધિકારીઓ અને હજારો નાગરિકોએ ઉપસ્થિત રહી યોગાસનો કર્યા હતા.

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ઉજવણીનું આયોજન કરાયું હતું. કાર્યક્રમો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પશ્ચિમ બંગાળથી લાઈવ કાર્યક્રમ પણ પ્રસારિત થયો હતો.
કોલેજ ગ્રાઉન્ડ ખાતેના મુખ્ય કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, જિલ્લા કલેક્ટર, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અંગે વક્તવ્ય આપ્યું હતું.જિલ્લા કક્ષાના મુખ્ય સ્થળ ઉપરાંત, પાટણની વિશ્વ હેરિટેજ સાઇટ રાણીની વાવ ખાતે કે સી પટેલ – HUDCO ડિરેક્ટર, મનીષ તારકર – વરિષ્ઠ ડેપ્યુટી કમાન્ડન્ટ, BSF, મહેસાણા, ડૉ. નીતિ ચરણ – નાયબ કલેક્ટર, પાટણ, મનોજ પટેલ – પૂર્વ કોર્પોરેટર, પાટણ નગરપાલિકા ની વિશેષ ઉપસ્થિતિમાં વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ સાથે જિલ્લાના તમામ તાલુકા મથકો, શહેરો અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓ તેમજ કોલેજોમાં પણ સામૂહિક યોગાભ્યાસના આયોજનો થયા હતા.




