પાટણની તપોવન શાળા દ્વારા ભવ્ય ‘સંસ્કાર કાર્યક્રમ ૨૦૨૬’નું આયોજન: ભૂલકાઓના કૌશલ્યથી યુનિવર્સિટી હોલ ગુંજી ઉઠ્યો

શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરતા કાર્યક્રમને ડાયેટના આચાર્ય અને મહાનુભાવોએ બિરદાવ્યો; વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા


પાટણ:
શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં ઉમદા સંસ્કારોનું સિંચન કરવાના ઉમદા હેતુ સાથે પાટણની જાણીતી તપોવન સ્કૂલ દ્વારા બે દિવસીય રંગારંગ ‘સંસ્કાર કાર્યક્રમ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નર્સરીથી ધોરણ ૮ ના ગુજરાતી અને ઇંગ્લીશ મીડીયમના વિદ્યાર્થીઓએ પોતાની અદભૂત કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.


સાંસ્કૃતિક કૃતિઓની રમઝટ
આ બે દિવસીય મહોત્સવમાં નાના ભૂલકાઓ દ્વારા રાસ-ગરબા, મિમીક્રી, એકપાત્ર અભિનય અને નાટકોની શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવતા અભિનયોએ પ્રેક્ષકોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. બાળકોની કલા અને આત્મવિશ્વાસ જોઈ ઉપસ્થિત વાલીઓ અને નગરજનોએ તેમને હર્ષનાદથી વધાવી લીધા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિ
કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે પાટણ ડાયેટ (DIET) ના આચાર્ય પિન્કીબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તપોવન શાળાના આ પ્રયાસને સરાહનીય ગણાવતા જણાવ્યું હતું કે, “શાળા માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહીં પણ જીવનલક્ષી સંસ્કારો આપવાનું કાર્ય કરી રહી છે જે પ્રશંસનીય છે.”
આ પ્રસંગે તપોવન સ્કૂલના સંચાલક હાર્દિકભાઈ રાવલ અને સમગ્ર સ્ટાફ પરિવારે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કૃતિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને મહાનુભાવોના હસ્તે ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here