પાટણની બહેરા મૂંગા શાળાના દિવ્યાંગ ખેલાડીઓનો રાજ્ય કક્ષાએ દબદબો: સ્પે. ખેલમહાકુંભમાં 15 મેડલ જીત્યા

​”અમારા બાળકોએ મર્યાદાઓને માત આપીને જે સિદ્ધિ મેળવી છે તે ગૌરવપ્રદ છે. આશા છે કે નેશનલ કક્ષાએ પણ પાટણના ખેલાડીઓ પસંદગી પામીને ઝળકશે.” – શાળા પરિવાર

પાટણ: પાટણ જિલ્લાની ‘શ્રીમતી એમ.કે. વ્યાસ અને શ્રીમતી વાય.આર. સાંડેસરા બહેરા મૂંગા શાળા’ના વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે યોજાયેલા સ્પેશિયલ ખેલમહાકુંભમાં પોતાની ખેલ પ્રતિભાનો અદભૂત પરિચય આપ્યો છે. આ દિવ્યાંગ ખેલાડીઓએ રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કરી 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 6 બ્રોન્ઝ મળી કુલ 15 મેડલ જીતી પાટણ જિલ્લાનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે.

મેડલ જીતનાર ગૌરવશાળી ખેલાડીઓ:

​શાળાના આઠ ખેલાડીઓએ મેદાન ગજવીને મેડલની હારમાળા સર્જી હતી:

  • કરિશ્મા દેવીપૂજક: 2 ગોલ્ડ મેડલ
  • પ્રજાપતિ કાજલ: 2 ગોલ્ડ, 1 બ્રોન્ઝ મેડલ
  • ક્રીશ પ્રજાપતિ: 1 ગોલ્ડ મેડલ
  • કૃષ્ણુજી ઠાકોર: 2 સિલ્વર મેડલ
  • રોહિત ઠાકોર: 1 સિલ્વર મેડલ
  • રબારી નીતા: 1 સિલ્વર, 2 બ્રોન્ઝ મેડલ
  • પૂજા ઠાકોર: 2 બ્રોન્ઝ મેડલ
  • કોમલ ડોસાણી: 1 બ્રોન્ઝ મેડલ

​વિશેષ નોંધનીય બાબત એ છે કે, 400 મીટર દોડમાં ત્રણેય મેડલ અને 800 મીટર દોડમાં બે મેડલ પાટણના આ ખેલાડીઓએ મેળવીને સ્પર્ધામાં એકહથ્થુ શાસન જમાવ્યું હતું. વિજેતાઓને રાજ્ય સરકાર તરફથી મેડલ, પ્રમાણપત્ર અને રોકડ ઇનામ એનાયત કરવામાં આવશે.

નેશનલ કક્ષા માટે પસંદગીની તૈયારી

​આ સફળતા પાછળ શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કોચ વર્ષાબેન જોષી, શિલ્પાબેન ઠાકોર અને રાહુલ સલાટની મહેનત રંગ લાવી છે. આગામી 20 થી 22 માર્ચ, 2026 દરમિયાન અમદાવાદમાં નેશનલ કક્ષાની એથલેટિક સ્પર્ધા યોજાવાની છે.

​જેના ભાગરૂપે ‘ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફ’ દ્વારા સાપુતારા ખાતે 11-12 માર્ચના રોજ નેશનલ પસંદગી માટે ઇન્વિટેશન સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં પાટણની શાળાના 12 ખેલાડીઓ ભાગ લેવા જશે.

​આ ભવ્ય સફળતા બદલ સંસ્થાના મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી, ઉષાબેન બૂચ, કુસુમબેન ચંદારાણા અને મુંબઈ સ્થિત ટ્રસ્ટી મંડળે ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here