પાટણની શેઠ એમ એન હાઇસ્કુલ માં રક્ષાબંધનની અનોખી ઉજવણી કરાઇ…

શેઠ એમ. એન. હાઇસ્કુલ માં વેસ્ટ માંથી બની બેસ્ટ રાખડી, ‘ પોલીસને રક્ષા કવચ’ અને ‘ દિવ્યાંગ સાથે સંવેદના’ રક્ષા બંધન ની થઈ ત્રિ-આયામી ઉજવણી

શેઠ એમ.એન. હાઈસ્કૂલનું અનોખું કાર્ય – પોલીસ, પર્યાવરણ અને દિવ્યાંગ ત્રણેય માટે રાખડી પ્રેમનો પુલ બની…

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત, શેઠ એમ.એન. હાઇસ્કૂલ, પાટણ ખાતે “વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધા” નું વિશિષ્ટ આયોજન થયું. આ કાર્યક્રમ એ માત્ર સ્પર્ધા ન રહી, પણ એમાં શૈક્ષણિક કળા, પર્યાવરણીય જાગૃતિ અને સામાજિક લાગણીનું અમુલ્ય મિશ્રણ થયું.

શેઠ એમ. એન. હાઇસ્કુલની દીકરીઓએ પોતાના કલ્પનાબળ અને કુશળ હસ્તકૌશલ્ય દ્વારા ઘરમાંથી મળી આવેલી આવશ્યકતા વગરની વસ્તુઓ જેમ કે જૂના દુપટ્ટા, સૂત્રો, બટનો, વેફરનાં પેકેટ, ફૉઇલ, ખાલી પ્લાસ્ટિક, કપડાંનાં તૂટેલા ટુકડાં, નટ-બોલ્ટ જેવી વસ્તુઓમાંથી સુંદર અને સાદગીભરી, પરંતુ દિલ સ્પર્શતી રાખડીઓ તૈયાર કરી. આ રીતે ‘કચરો’ સમજીને બહાર ફેંકી દેતી વસ્તુઓને નવી ઓળખ આપીને વિદ્યાર્થીઓએ ન કેવળ ‘રિસાઈકલિંગ’ અને ‘ઈકો-ફ્રેન્ડલી કન્સેપ્ટ’ને વાસ્તવમાં ઉતાર્યું, સાથે સાથે એક સંદેશ પણ આપ્યો કે, “દરેક વસ્તુમાં ઉપયોગિતાની ક્ષમતા હોય છે જો નજર વિચારશીલ હોય તો”
તૈયાર કરેલી આ રાખડીઓ માત્ર શાળાની અંદર જ ન રાખતા તેનો યોગ્ય ઉપયોગ પણ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. એક ઉમદા ભાવ સાથે પાટણ એ-ડિવિઝનના પોલીસ જવાનોને રાખડીઓ બાંધવામાં આવી. આ પાછળ શાળાની દીકરીઓનો અભિનંદનીય વિચાર એ હતો કે “જેમ આપણા દેશના જવાનો દુશ્મન સામે સીમા પર લડે છે, તેમ શહેરમાં પોલીસ જવાનો રાત-દિવસ લોકોની સુરક્ષા માટે કાર્યરત રહે છે. એમની સામે કોઇ શસ્ત્ર નથી, પણ ફરજની તલવાર છે. એના બદલામાં આપણા આ રક્ષા કવચ સ્વરૂપ રાખડીઓ એમની જાતની સલામતી માટે પૌરાણિક સ્નેહનો સંદેશ આપે છે.”
શેઠ એમ એન હાઇસ્કુલ ની દીકરીઓએ બહેરા અને મૂંગા શાળાના દિવ્યાંગ બાળકો માટે કાર્યરત શાળાની મુલાકાત લીધી. જ્યાં બોલી શકતાં નથી કે સાંભળી શકતાં નથી તેવા ભૂલકાઓને પણ રાખડી બાંધી. આ કાર્ય પાછળ એક ખૂબ જ હૃદયસ્પર્શી વિચાર હતો – “ભાષા વગરના જીવનમાં જો કોઇ પ્રેમ અને સંબંધની અનુભૂતિ આપે, તો એ રાખડી જેવી લાગણીશીલ સંસ્કૃતિ છે.”
દીકરીઓએ દીવ્યાંગ બાળકોના નમ્ર હાથ પર રાખડી બાંધીને તેમને સ્વીકાર્યો, માનવતા દર્શાવી, અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
આ અનોખી રાખડી સ્પર્ધાનું સફળ આયોજન શિક્ષિકા ડૉ. ગીતાબેન પરમાર, બીનાબેન પટેલ, વર્ષાબેન એમ. પટેલ, વર્ષાબેન એ. પટેલ તથા પાર્થભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ થયું. શાળા આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરના પ્રેરક માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમ વધુ અર્થપૂર્ણ બન્યો.
આ સ્પર્ધા બાળકો માટે માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિ નહીં રહી, પરંતુ તેમાંથી ઊંડા સંસ્કાર, માનવતા માટેની લાગણી અને પર્યાવરણીય જવાબદારીનું મૂળ સંદેશ મળ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here