પાટણ
ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ખાસ “Operation Delta Hunt” લોન્ચ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લા પોલીસે એક સાથે ૨૫ ટીમો બનાવીને દરોડા પાડતા, જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે રહેતી ૮ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૬૮ લોકેશન પર ૨૫ ટીમોનું મેગા સર્ચ ઓપરેશન
સરહદી રેન્જ (કચ્છ-ભુજ)ના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. પાટણ જિલ્લાની એલ.સી.બી (LCB), એસ.ઓ.જી (SOG), એ.એચ.ટી.યુ (AHTU), મિસીંગ સેલ, પેરોલ-ફર્લો ટીમ અને સાયબર ક્રાઇમ સહિત અલગ-અલગ પોલીસ સ્ટેશનોની કુલ ૨૫ ટીમો બનાવવામાં આવી હતી.
આ ટીમો દ્વારા જિલ્લામાં કુલ ૬૮ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને ટ્રેક કરી, તમામ લોકેશન્સ પર એકસાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ લોકોના મોબાઈલ, આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજો ચકાસતા ૧૫ વ્યક્તિઓ શંકાસ્પદ મળી આવ્યા હતા. જેમાંથી સઘન પૂછપરછના અંતે ૮ બાંગ્લાદેશી મહિલાઓ ગેરકાયદેસર રહેતી હોવાનું ખૂલ્યું હતું.
ખોટા દસ્તાવેજો બનાવી ભારતમાં રહેતી હતી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલી તમામ મહિલાઓ જુદા-જુદા સમયે સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી આવી હતી. ત્યારબાદ તેઓએ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં પોતાના નકલી ઓળખકાર્ડ જેવા કે આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી લીધા હતા અને અહીં કાયમી વસવાટ કરવા લાગી હતી.
ડિટેન્શન સેન્ટરમાં રખાઈ, ટૂંક સમયમાં કરાશે ડિપોટ
પકડાયેલી તમામ મહિલાઓની ફોરેનર્સ એક્ટ-૧૯૪૬ મુજબ અટકાયત કરવામાં આવી છે અને હાલ તેમને ધારપુર ખાતે આવેલા ‘સખી વન સ્ટોપ સેન્ટર’ના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવી છે. એસ.ઓ.જી., સ્ટેટ આઇ.બી., સેન્ટ્રલ આઇ.બી., સ્પેશિયલ બ્રાન્ચ અને બી.એસ.એફ. (BSF) જેવી વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ (Joint Interrogation) પૂર્ણ કર્યા બાદ, આ તમામ નાગરિકોને પરત બાંગ્લાદેશ ડિપોટ (દેશનિકાલ) કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પોલીસની જનતાને અપીલ: ઘૂસણખોરોની માહિતી આપો
પાટણ જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જો તમારી આસપાસ, નોકરી કે ધંધાના સ્થળે કોઈ બાંગ્લાદેશી, પાકિસ્તાની કે અન્ય દેશના ઘૂસણખોરો રહેતા હોય અથવા તેની કોઈ માહિતી હોય તો તુરંત પોલીસને જાણ કરો. માહિતી આપનારનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.
માહિતી આપવા માટેના સંપર્ક નંબર:
- જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ: 02766 230502 / 100 / 112
- પોલીસ ઇન્સ્પેક્ટર (LCB): 99046 25112
- પોલીસ ઇન્સ્પેક્ટર (SOG): 80006 61199




