મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ,પાટણ સંચાલિત પી.બી. પાટણ જનતા કેન્સર હોસ્પિટલનો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાતાઓની સેવાભાવના બિરદાવી

પાટણ અને આસપાસના વિસ્તારના કેન્સરના દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળશે

પાટણ: જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પી.બી. પાટણ જનતા કેન્સર હોસ્પિટલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાટણ ઉત્તર ગુજરાતમાં હેલ્થકેરનું મુખ્ય કેન્દ્ર હોવા છતાં અત્યાર સુધી અહીં કેન્સરની વિશેષ સારવારનો અભાવ હતો, જે હવે દૂર થયો છે. આ સુવિધાથી પાટણ અને આસપાસના ગ્રામીણ પંથકના દર્દીઓને અમદાવાદ કે અન્ય મોટા શહેરો સુધી લાંબા થવું નહીં પડે અને ઘરઆંગણે જ વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ બનશે

.

બદલાતી જીવનશૈલી અને વધતા રોગો અંગે ચિંતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભૌતિકતાની દોડમાં માનસિક તણાવ, બીપી અને ડાયાબિટીસ જેવા રોગો ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘નશા મુક્ત ભારત’ અને હોલિસ્ટિક હેલ્થકેરના અભિગમને અપનાવી દૈનિક યોગ, સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી કેળવવી અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે ‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને હાંસલ કરવા માટે નાગરિકોનું નિરોગી સ્વાસ્થ્ય સૌથી પાયાની જરૂરિયાત છે. આ સાથે જ તેમણે સ્વચ્છતાને જીવનશૈલી બનાવવાની સાથે ‘કેચ ધ રેન’ અને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાઈને જળ સંચય અને વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો.

આયુષ્માન કાર્ડધારકો માટે ‘પેટ સ્કેન’ સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે: ડૉ. પ્રમોદ પટેલ
સંસ્થાની આરોગ્યલક્ષી સેવાઓની રૂપરેખા આપતાં મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. પ્રમોદ પટેલે જણાવ્યું હતું કે, જનતા હોસ્પિટલે અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ ઓપીડી, ૧.૫૦ લાખ આઈપીડી અને ૧ લાખથી વધુ સફળ સર્જરી કરી સેવા ક્ષેત્રે વિશ્વાસ સંપાદિત કર્યો છે.

નવીન કેન્સર હોસ્પિટલમાં ₹૨૨ કરોડના ખર્ચે અદ્યતન ‘લિનિયક’ (Linear Accelerator) મશીન કાર્યરત કરાયું છે. ઉત્તર ગુજરાતમાં અન્યત્ર ઉપલબ્ધ ન હોય તેવી ‘પેટ સ્કેન’ (PET Scan) ટેસ્ટની સુવિધા પણ અહીં ઉપલબ્ધ રહેશે, જે આયુષ્માન કાર્ડધારકો માટે તદ્દન મફત કરવામાં આવશે. આગામી સમયમાં કેમ્પસમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, રોબોટિક સર્જરી અને કાર્ડિયાક સર્જરી જેવી અતિ-આધુનિક સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ કરવા ટ્રસ્ટ કટિબદ્ધ છે.

દાતાશ્રીઓનું બહુમાન અને મહાનુભાવોની ઉપસ્થિતિ
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા સંસ્થાના નિર્માણમાં ઉદાર આર્થિક યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, સાંસદ ભરતસિંહ ડાભી, બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, લવિંગજી ઠાકોર, કિરીટ પટેલ, જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવા, એસપી વી. કે. નાયી, એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ, વિશ્વ ગુજરાતી સમાજના ભાવેશ લાખાણી, અગ્રણી કે. સી. પટેલ, સંસ્થાના પ્રમુખ મનસુખ પટેલ, મુખ્ય દાતા વિનોદભાઈ ઝવેરી તેમજ વિશાળ સંખ્યામાં ટ્રસ્ટીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here