પાટણ, તા. 26
રાજ્ય પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી વિશેષ પ્રોહી ડ્રાઇવના અનુસંધાને સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લામાં પ્રોહી અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અમલમાં એલ.સી.બી. પાટણ દ્વારા નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


એલ.સી.બી. પાટણના પોલીસ ઇન્સપેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ બાલીસણા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બાલીસણાથી ડેર તરફ જતા રોડ પર એક ટ્રેક્ટર પાછળ લગાવેલ થ્રેસરમાં ગુપ્ત ખાનાઓ બનાવી તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રેક્ટર-થ્રેસર સહીત દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
પોલીસે થ્રેસરમાં બનાવેલા ગુપ્ત ખાનાઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 721 બોટલો કબ્જે કરી, જેની અંદાજિત કિંમત રૂ. 2,95,131/- થાય છે. ઉપરાંત ટ્રેક્ટર અને થ્રેસર મળીને રૂ. 2,00,000/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ કુલ મળી રૂ. 4,95,131/-નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ મામલે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રેક્ટરનો ચાલક તથા માલિક તેમજ દારૂ ભરી આપનાર અને મંગાવનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પકડાયા બાકી આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે. વધુ તપાસ બાલીસણા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે.
આ સફળ કાર્યવાહીમાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.જી. ઉનાગર, પી.એસ.આઇ. શ્રી એસ.બી. સોલંકી, એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ જગતસિંહ, અ.હેડ કો. દિલીપસિંહ સુરાજી, અ.હેડ કો. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ તેમજ ડ્રા. પો. કો. જાલમસિંહ ભારૂજી સહિતના પોલીસ કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.




