રાજમહેલમાં રહીને પણ પ્રજાના હૃદયમાં વસનાર માઁ – ૯૭ વર્ષની સેવા યાત્રાનો અંત
રાજા તો ઘણા થયા, પણ માઁ જેવા રાજા કોઈક જ થાય મોરબીને લોકો પ્રેમથી સૌરાષ્ટ્રનું પેરિસ કહે છે. આ ઉપમા અમથી નથી મળી. પહોળા રસ્તા, નમૂનેદાર બજાર, ઝૂલતો પુલ, મણિમંદિર, નવા દરબારગઢની ઘડિયાળ,લખધીરજી એન્જિનિય રિંગ કોલેજ l-આ બધું બનાવ્યું મોરબીના જાડેજા રાજવીઓએ. મહારાજા લખધીરજીએ મોરબીને આધુનિક બનાવ્યું.પણ મકાન બનાવવું સહેલું છે, માણસ બનાવવું અઘરું છે. મોરબીના ઈતિહાસમાં એક નામ એવું છે જેને પ્રજાએ ક્યારેય મહારાણી તરીકે નહીં, પણ માં તરીકે જોયું. તે નામ છે રાજમાતા મહારાણી વિજયરાજ કુંવરબા સાહેબ.જેમનું ૯૭ વર્ષની જૈફ વયે તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ મુંબઈ ખાતે દુઃખદ અવસાન થયું, અને આખું મોરબી રડી પડ્યું.સમાચાર વાયુવેગે ફેલાયા અને આખા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું. મુંબઈથી તેમનો પાર્થિવ દેહ ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ થઈને મોરબીના નવા પેલેસમાં લાવવામાં આવ્યો,જ્યાં આજે રવિવાર સવારે ૭.૩૦ થી ૧૦ વાગ્યા સુધી અંતિમ દર્શન રાખવામાં આવવેલ અને રાજવી પરંપરા મુજબ અંતિમ સંસ્કાર થયા.
આઝાદીના ૭૮ વર્ષ પછી પણ કોઈ રાજમાતાના નિધન પર આખું શહેર શોકમાં ડૂબી જાય, દુકાનો બંધ થઈ જાય, રાજકીય પક્ષોના ભેદ ભૂલાઈ જાય, લોકોની આંખો ભીની થઈ જાય,તે જ તેમના પ્રજા વાત્સલ્યની સૌથી મોટી સાબિતી છે. આજના નેતાઓ ખુરશી માટે લડે છે, ત્યારે આ રાણી ૭૮ વર્ષ સત્તા વગર પણ પ્રજાના દિલ પર રાજ કરતા રહ્યા.
કોણ હતા રાજમાતા વિજયરાજ કુંવરબા? એક સદીની સાક્ષી
વિજયરાજ કુંવરબા એ મોરબીના છેલ્લા શાસક મહારાજા મહેન્દ્રસિંહ જી જાડેજાના ધર્મપત્ની હતા. મહેન્દ્રસિંહજી એ મોરબીના મહારાજા લખધીરજીના પુત્ર હતા. ૧૯૪૮ માં મોરબી રાજ્ય ભારત સંઘમાં ભળી ગયું, રાજપાટ ગયું, સત્તા ગઈ, તોપોની સલામી ગઈ, પણ પ્રજાનો પ્રેમ ન ગયો.
૧૯૨૯ માં જન્મેલા વિજયરાજ કુંવરબાએ લગભગ એક સદી જોઈ. તેમણે બ્રિટિશ રાજ જોયું, બીજું વિશ્વયુદ્ધ જોયું, આઝાદીની ચળવળ જોઈ,૧૯૪૭ ની આઝાદી જોઈ, રજવાડાનું વિલીનીકરણ જોયું,૧૯૭૯ની મચ્છુ ડેમ હોનારત જોઈ જેમાં હજારો લોકો વહી ગયા, અને ૨૦૨૨ ની ઝૂલતા પુલની દુર્ઘટના પણ જોઈ. દરેક દુઃખમાં તેઓ મોરબીની સાથે ઉભા રહ્યા.
તેઓ ક્યારેય મુંબઈના મોટા બંગલામાં કાયમ ન રહ્યા. તેમનું મન તો મોરબીમાં જ હતું. દરબારગઢના નવા પેલેસમાં તેમનો એક ઓરડો હંમેશા તૈયાર રહેતો. કોઈ પણ ગરીબ માણસ સવારે આવીને કહે કે મારે બા ને મળવું છે, તો ક્યારેય ના નહોતી. લોકો આજે પણ કહે છે – રાજમાતા ક્યારેય કોઈને ખાલી હાથે પાછા મોકલતા નહીં. કોઈ ગરીબ દીકરીના લગ્ન હોય, કોઈ વિદ્યાર્થીને ફી ભરવી હોય, કોઈ બીમારને દવા જોઈતી હોય, તો દરબારના દરવાજા હંમેશા ખુલ્લા હતા.
પ્રજા વાત્સલ્યના ચાર પ્રસંગો જે મોરબી ક્યારેય નહીં ભૂલે
૧૯૭૯ની મચ્છુ હોનારત – જ્યારે રાજમાતા રડ્યા હતા:૧૧ ઓગસ્ટ ૧૯૭૯ એ મોરબીના ઈતિહાસનો સૌથી કાળો દિવસ. મચ્છુ-૨ ડેમ તૂટ્યો અને આખું મોરબી પાણીમાં ડૂબી ગયું. હજારો લોકો મરી ગયા. સરકારી તંત્ર ખોરવાઈ ગયું હતું. ત્યારે મહારાજા મહેન્દ્રસિંહજી અને મહારાણી વિજયરાજ કુંવરબાએ પોતાના મહેલના દરવાજા ખોલી નાખ્યા. પેલેસમાં રસોડા શરૂ થયા, અસરગ્રસ્તોને આશરો આપ્યો. રાજમાતા પોતે જાતે રસોડામાં જઈને લોકોને જમાડતા હતા, એ દ્રશ્ય આજે પણ વડીલો યાદ કરે છે.
૨૦૨૨ નો ઝૂલતો પુલ અકસ્માત – છેલ્લી મોટી સંવેદના:૩૦મી ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ જ્યારે મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટ્યો અને ૧૩૫ નિર્દોષ લોકો, જેમાં ઘણા બાળકો હતા, તેમના જીવ ગયા, ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. ત્યારે સૌથી પહેલો સંવેદનાનો સંદેશો રાજમાતા વિજયરાજ કુંવરબાના કાર્યાલયમાં થી આવ્યો હતો. તેમણે કહ્યું હતું – “આ દુર્ઘટના અત્યંત પીડાદાયક છે, અમે તમારા જ છીએ.” અને તરત જ તેમના પરિવારે મૃતકોના પરિવારોને ૧-૧ લાખની સહાય જાહેર કરી. તેમની દીકરી મીરાબા સાહેબ તરત જ મુંબઈથી મોરબી દોડી આવ્યા હતા અને દરેક ઘરે જઈને આશ્વાસન આપ્યું હતું. તે સમયે સરકાર હતી, તંત્ર હતું, પણ પ્રજાએ રાજમાતા સામે જોઈને જ હિંમત મેળવી હતી.
શિક્ષણ અને દીકરીઓ માટેનો પ્રેમ:મોરબી આજે સિરામિક કેપિટલ છે, પણ તેનો પાયો શિક્ષણ છે. લખધીરજી મહારાજે શાળાઓ બનાવી અને વિજયરાજ કુંવરબાએ તે શાળાઓમાં દીકરીઓને ભણાવવાનું કામ કર્યું. તેઓ હંમેશા કહેતા – દીકરી ભણશે તો બે કુળ તારશે.તેમણે ઘણી ગરીબ દીકરીઓ ના ભણતરનો ખર્ચો ઉપાડ્યો હતો, ક્યારેય નામ આપ્યા વગર.
રાજકારણથી દૂર, સેવાની નજીક:
રાજવી પરિવારની વરિષ્ઠ સભ્ય તરીકે તેઓ ક્યારેય રાજકારણમાં ન આવ્યા, ક્યારેય ચૂંટણી ન લડ્યા, કોઈ પક્ષનો ખેસ ન પહેર્યો. તેમણે કહ્યું હતું – અમારો પક્ષ એટલે મોરબીની પ્રજા. આ જ કારણથી ભાજપ હોય કે કોંગ્રેસ, બધા જ પક્ષોના નેતાઓ તેમને સમાન આદર આપતા હતા.
એક યુગનો અંત અને વડાપ્રધાનની શ્રદ્ધાંજલિ ૯૭ વર્ષની યાત્રા એટલે લગભગ એક સદીની યાત્રા. આ યાત્રામાં તેમણે વૈભવ પણ જોયો અને વિયોગ પણ જોયો.પતિ મહેન્દ્ર સિંહજીના અવસાન પછી પણ તેમણે પરિવારને એક રાખ્યો.
તેમના અવસાન પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતીમાં શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તેમને માત્ર રાજવંશી તરીકે નહીં, પણ એક સેવાભાવી વ્યક્તિ તરીકે યાદ કરવા જોઈએ જેમણે સમાજ માટે ઉમદા કાર્ય કર્યું.
મોરબી ગૌરવ સમાચાર અને મોરબી ન્યુઝ જેવા સ્થાનિક સમાચારપત્રોએ લખ્યું – “મોરબીને સૌરાષ્ટ્રનું પેરિસ બનાવનાર રાજવી પરિવારમાં નિધન થતા સમગ્ર મોરબીની પ્રજાની આંખો ભીની જોવા મળી રહી છે. પ્રજા વત્સલ રાજવી પરિવાર પ્રત્યે આઝાદીના આટલા વર્ષો બાદ પણ મોરબી વાસીઓમાં સમાન આદરભાવ જોવા મળી રહ્યો છે.”
મહારાણી વગરનો દરબાર*આજે જ્યારે રાજાશાહી ક્યાંય નથી, કાયદામાં રાજા-રાણીનો કોઈ અર્થ નથી, ત્યારે પણ મોરબીની પ્રજા તેમને રાજમાતા કેમ કહેતી હતી? કારણ કે રાજા તે નથી જે રાજ કરે, રાજા તે છે જે પ્રજાને પોતાના બાળક જેવી સાચવે. અંગ્રેજીમાં કહેવત છે *કિંગ રૂલ્સ બાય પાવર,કિવિન રૂલ્સ બાય હાર્ટ* -વિજયરાજ કુંવરબા તેવા જ પ્રજા વાત્સલ્ય રાણી હતા. તેમણે ક્યારેય કોઈને હુકમ ન કર્યો, હંમેશા વિનંતી કરી. તેમણે ક્યારેય કોઈને તું કહ્યું નહીં, હંમેશા તમે કહ્યું.મોરબીનો ઝૂલતો પુલ ફરી બનશે, નવા કારખાના બનશે, નવા રસ્તા બનશે, પણ પ્રજાની આ માઁ જેવી રાણી ફરી નહીં મળે. તેમના જવાથી મોરબીના દરબારગઢની એક દીવાલ ખાલી નથી થઈ,પણ આખા મોરબી નું એક છત્ર ખાલી થયું છે.
રાજમાતા ભલે ગયા,પણ તેમનો પ્રજા વાત્સલ્યનો દીવો હંમેશા બળતો રહેશે.રાજમાતા મહારાણી વિજયરાજ કુંવરબાને કોટી કોટી વંદન. ઓમ શાંતિ. જય મોરબી.*
યશપાલસિંહ ટી વાઘેલા દરબારગઢ થરા તા ઓગડ જિ બનાસકાંઠા 9428678699




