ગુજરાતમાં વકીલોની રાજ્યવ્યાપી હડતાલ સત્તાવાર રીતે મોકૂફ : સરકાર સાથેની બેઠકમાં સુખદ સમાધાન!

નવા ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬માં જ્યુડિશિયરીની સત્તા છીનવી એક્ઝિક્યુટિવને આપવાનો વિવાદાસ્પદ સુધારો રદ્દ.

આજથી વકીલો ફરીથી કોર્ટના કામકાજમાં જોડાશે : કાયદાકીય સુધારાઓ માટે ખાસ કમિટીની રચના થશે!

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી વકીલોની રાજ્યવ્યાપી હડતાલ મામલે રાજ્ય સરકાર અને વકીલો વચ્ચે સુખદ અને ઐતિહાસિક સમાધાન સધાયું છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વતી ચેરમેન પ્રવિણ ડી. પટેલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ નોટ અનુસાર, ગઈકાલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તમામ સભ્યો, અમદાવાદ બાર એસોસિએશનના પ્રમુખ અને અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ તેમજ હોદ્દેદારોની મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી.

આ બેઠકમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી, મુખ્ય સરકારી વકીલ ગુરુચરણ સિંહ, કાયદા વિભાગના સચિવ યુ. એમ. ભટ્ટ, મહેસૂલ સચિવ અને ગૃહ સચિવ ઉપસ્થિત રહ્યા હતા. સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં એક કલાકથી વધુ સમય ચાલેલી આ ચર્ચા-વિચારણા દરમિયાન સરકાર દ્વારા લાવવામાં આવનાર ‘ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬’ અંગે વિસ્તૃત મંથન થયું હતું.
હડતાલ પાછળનો મુખ્ય અને મહત્ત્વનો મુદ્દો એ હતો કે નવા ભાડા વિધેયક મુજબ જ્યુડિશિયરી (ન્યાયતંત્ર) પાસેથી સત્તા છીનવીને એક્ઝિક્યુટિવ (કારોબારી)ને સોંપવાની જોગવાઈ હતી. સરકાર દ્વારા આ વિવાદાસ્પદ સુધારાને રદ્દ કરવાની ખાતરી આપવામાં આવી છે અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અગાઉની જેમ ન્યાયિક સત્તા કોર્ટ અને જ્યુડિશિયરી પાસે જ રહેશે. સરકારની આ સકારાત્મક ખાતરી બાદ વકીલોએ હડતાલ સમેટી લેવાનો મોટો નિર્ણય લીધો છે.
આગામી દિવસોમાં આ વિધેયક સંદર્ભે કાયદા સચિવ સાથે મળીને એક ખાસ કમિટી રચવામાં આવશે, જે વિધેયકની બાકીની ત્રુટિઓ અને વકીલોના અન્ય પ્રશ્નો (જેવા કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અને નોટરીઓને ટીકીટ આપવા બાબતે) પર ચર્ચા કરી તેનું નિરાકરણ લાવશે. આમ, સરકાર સાથેના સૌહાર્દપૂર્ણ સંવાદ અને સુખદ સમાધાનના પરિણામે આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાલ સત્તાવાર રીતે મોકૂફ રાખવામાં આવી છે અને આજથી રાજ્યભરના વકીલો ફરીથી પોતાની કોર્ટ કાર્યવાહીમાં જોડાઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here