પાટણ:
પાટણની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જનરલ સર્જરી અને એનેસ્થેસિયા વિભાગની તબીબી ટીમે એક અત્યંત જટિલ અને પડકારજનક સર્જરીને સફળતાપૂર્વક પાર પાડી છે. જન્મજાત શારીરિક તકલીફો ધરાવતી એક યુવતીના સ્તનમાં રહેલી અંદાજે ૨.૬ કિલોગ્રામ વજનની અતિ વિશાળ ‘સિસ્ટોસાર્કોમા ફાઇલોડીસ ટ્યુમર’ (Cystosarcoma Phyllodes Tumour) સુરક્ષિત રીતે દૂર કરીને દર્દીને નવજીવન બક્ષવામાં આવ્યું છે.
કેસની વિશેષ જટિલતાઓ:
દર્દીને લાંબા સમયથી સ્તનમાં ગાંઠ હતી, જે સમય જતાં અસામાન્ય રીતે વધીને ૨.૬ કિલોગ્રામ જેટલી વિશાળ થઈ ગઈ હતી. આ યુવતી જન્મજાત હાઇડ્રોસેફેલસ (માથામાં પાણી ભરાવું તથા મોટું કદ) અને બંને પગમાં જન્મજાત ક્લબફૂટ જેવી ગંભીર વિકૃતિઓ પણ ધરાવતી હતી. ગાંઠ ખૂબ જ મોટી હોવાને કારણે તેમાં રક્તવાહિનીઓનું પ્રમાણ વધુ હતું, જેથી રક્તસ્રાવ પર નિયંત્રણ રાખવું અને સર્જરી બાદ ઘા બંધ કરવો તબીબો માટે મોટો પડકાર હતો.
એનેસ્થેસિયા ટીમનો પડકારજનક અને મહત્વપૂર્ણ ફાળો:
હાઇડ્રોસેફેલસના લીધે દર્દીના માથાનું કદ મોટું હોવાથી ઓપરેશન ટેબલ પર પોઝિશનિંગ અને એરવે મેનેજમેન્ટ અત્યંત જટિલ હતું. ઓપરેશન અગાઉ દર્દીની હૃદય-શ્વસનતંત્ર તેમજ ન્યુરોલોજીકલ સ્થિતિનું સાવચેતીપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. યોગ્ય દવાઓની પસંદગી અને સતત મોનિટરિંગ દ્વારા સુરક્ષિત એનેસ્થેસિયા પૂરું પાડીને આ જટિલ સર્જરી સરળ બનાવવામાં આવી હતી.
નિષ્ણાત તબીબી ટીમનું યોગદાન:
આ સફળ સર્જરી પાછળ જનરલ સર્જરી વિભાગના વડા ડો. જયેશ ગોહેલના માર્ગદર્શન હેઠળ યુનિટ હેડ ડો. કૌશિક કડિયા, ડો. સાગર ગુપ્તા, ડો. મિતુલ પટેલ, ડો. પલક, ડો. અનુરાગ અને ડો. ઋષભે સેવા આપી હતી. તેમજ એનેસ્થેસિયા વિભાગના વડા ડો. દીક્ષિત મોઢ, ડો. મંથન પરમાર, ડો. આકાશ પટેલ અને તેમની ટીમ જોડાયા હતા. આ ઉપરાંત ઓપરેશન થિયેટર (OT) અને નર્સિંગ સ્ટાફના સહયોગથી આ જટિલ ઓપરેશન સફળ બન્યું હતું.
હાલ સર્જરી બાદ દર્દીની તબિયત સંપૂર્ણપણે સ્થિર છે અને તે ઝડપથી સ્વસ્થ થઈ રહી છે. ધારપુર હોસ્પિટલની આ ગૌરવવંતી સિદ્ધિથી પૂરવાર થાય છે કે ઉત્તર ગુજરાતના નાગરિકોને હવે ઘરઆંગણે જ ઉત્તમ અને સુપર-સ્પેશિયાલિટી કક્ષાની તબીબી સેવાઓ મળી રહી છે.




