પાટણમાં બાઇક સાથે શ્વાન ભટકાતા સજૉયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું પાંચ દિવસની સારવાર બાદ મોત થયું.

પાટણ તા. ૧૮
પાટણ-ડીસા હાઈવે પર કિમ્બુવા ગામ નજીક પાંચ દિવસ પહેલાં બાઈક સાથે શ્ર્વાન અથડાતાં થયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું સારવાર દરમિયા મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના પાંચ દિવસ પહેલાં બપોરે બની હતી. કિમ્બુવા ગામના વિનુજી કાંતિજી ઠાકોર અને તેમના મોટાભાઈ રણજીતજી સાથે બાઈક પર સરસ્વતીના વડુ ગામેથી ડીઝલ લઈને પરત ફરી રહ્યા હતા.ત્યારે તેઓ પાદરડી ગામે તેમના વેવાઈના ઘરેથી રણજીતજીનું બાઈક લેવા જઈ રહ્યા હતા. વિનુજી બાઈક ચલાવી રહ્યા હતા અને રણજીતજી પાછળ બેઠા હતા.
કિમ્બુવા હાઈવે પર વડલાથી આશરે અડધા કિલોમીટર દૂર ચારૂપ ગામ જવાના રોડ પર પહોંચતા જ અચાનક એક શ્વાન બાઈકના આગળના ટાયર સાથે ભટકાયું હતું. જેના કારણે બાઈક ચાલક વિનુજીએ બાઈક પરનો કાબુ ગુમાવ્યો હતો અને બંને ભાઈઓ રોડ પર પટકાયા હતાં.
આ અકસ્માતમાં રણજીતજીને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે વિનુજીને પણ ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત રણજીતજીને તાત્કાલિક પાટણની જનતા હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવારનો ખર્ચ વધુ હોવાથી તેમને પરત પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મૃતક રણજીતજી કાંતિજી ઠાકોરના ભાઈ વિનુજી ઠાકોરે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here