પાટણમાં મહિલા સશક્તિકરણનો અનોખો સંગમ: બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ‘મહિલા સ્વ-રોજગાર મેળા’નું ભવ્ય આયોજન

પાટણ: આજની નારી હવે માત્ર ઘરના ઉંબરા સુધી સીમિત નથી રહી, પરંતુ આત્મનિર્ભર બનીને સમાજમાં પોતાનું એક આગવું સ્થાન બનાવી રહી છે. પાટણ શહેરમાં મહિલાઓના આ હુન્નર અને આત્મવિશ્વાસને વેગ આપવા માટે એક શાનદાર પહેલ કરવામાં આવી છે. ‘લોકલ ફોર વોકલ’ના સૂત્રને સાર્થક કરતા, પાટણમાં બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા આગામી સમયમાં એક ભવ્ય ‘મહિલા સ્વ-રોજગાર મેળો અને એક્ઝીબીશન કમ સેલ’નું આયોજન કરવામાં આવ્યું છે.

ગૃહ ઉદ્યોગને મળશે નવું પ્લેટફોર્મ

આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય એવી બહેનોને પ્રોત્સાહિત કરવાનો છે જેઓ ઘરે બેઠા લઘુ ઉદ્યોગ કે હસ્તકલા દ્વારા સુંદર ચીજવસ્તુઓ બનાવે છે. આ પ્રદર્શન દ્વારા તેમના હુન્નરને સીધું બજાર અને ગ્રાહકો મળી રહેશે. આ મેળામાં બહેનો દ્વારા તૈયાર કરાયેલ હેન્ડમેડ અને ઈમીટેશન જ્વેલરી, આધુનિક રેડીમેડ ડ્રેસ, ડ્રેસ મટીરીયલ્સ અને સાડીઓની વિશાળ શ્રેણી જોવા મળશે.

આકર્ષણના કેન્દ્રો

મેળામાં માત્ર કપડાં જ નહીં, પરંતુ કલા અને સ્વાદનો પણ અદભુત સંગમ જોવા મળશે:

  • કલા: કેનવાસ પેઇન્ટીંગ્સ, સ્ટ્રીંગ આર્ટ અને આકર્ષક નેઇલ આર્ટ.
  • ઘરવપરાશ: ઓર્ગેનિક સાબુ, કોસ્મેટીક આઇટમો અને નાળીયેરની બનાવટો.
  • ખાદ્ય સામગ્રી: શુદ્ધ સામગ્રીમાંથી બનાવેલી હોમમેડ ચોકલેટ, કુકીસ અને ચટપટી ખાણી-પીણીના સ્ટોલ્સ.

સમય અને સ્થળની વિગત

આ એક્ઝીબીશનનો પ્રારંભ ૧૩ મે, ૨૦૨૬ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે થશે અને તે ૧૪ મે સુધી ચાલશે. આયોજકો દ્વારા તમામ પાટણવાસીઓને આ મેળાની મુલાકાત લઈ બહેનોના ઉત્સાહમાં વધારો કરવા અને સ્વદેશી વસ્તુઓને અપનાવવા અપીલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કન્વીનર પુષ્પાબેન પટેલ, અનિતાબેન પટેલ અને સહ-કન્વીનર ગાયત્રી પટેલ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. મહિલાઓના આર્થિક ઉત્થાન માટેનું આ પગલું પાટણના સામાજિક ઇતિહાસમાં એક નવું સોપાન સર કરશે તેમ મનાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here