ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ ખાતે ગુજકોસ્ટ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા. 27 થી 31 ઓક્ટોબર 2026 દરમિયાન પાંચ-દિવસીય નિઃશુલ્ક ડ્રોન મેકિંગ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.


“ફંડામેન્ટલ્સ ઑફ ડ્રોન મેકિંગ” વિષયક આ ટ્રેનિંગ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ડ્રોન ટેકનોલોજી અંગે પાયાની સમજ વિકસાવવાનો તથા ડ્રોનના નિર્માણ, સંચાલન અને ઉપયોગ સંબંધિત વ્યવહારુ કૌશલ્યોનો વિકાસ કરવાનો છે. આ ટ્રેનિંગ દરમિયાન સહભાગીઓને ડ્રોનના મૂળભૂત સિદ્ધાંતો, ડ્રોનની એસેમ્બલી અને બનાવટ, એરોડાયનેમિક્સ, ફ્લાઇટ ઓપરેશન્સ, જીપીએસ (GPS), એવિઓનિક્સ અને ફ્લાઇટ કંટ્રોલર, ડ્રોનનું ટેસ્ટિંગ તથા કેલિબ્રેશન જેવા વિવિધ વિષયો અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવશે.
આ પાંચ દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામમાં 18 થી 60 વર્ષની વયજૂથના રસ ધરાવતા નાગરિકો ભાગ લઈ શકશે. સહભાગીઓ માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ હોવી જરૂરી છે. ટ્રેનિંગ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને એક બેચમાં વધુમાં વધુ 30 સહભાગીઓને પ્રવેશ આપવામાં આવશે. કાર્યક્રમ દરરોજ સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી યોજાશે. સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી ના જણાવ્યા મુજબ ડ્રોન ટેકનોલોજીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ, યુવાનો અને અન્ય નાગરિકો માટે આ ટ્રેનિંગ પ્રોગ્રામ આધુનિક ટેકનોલોજીનું પ્રાયોગિક જ્ઞાન મેળવવાની એક ઉપયોગી તક પૂરી પાડશે.




