રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકના પ્રયાસોથી ચિત્રોડીપુરા ગામ બનશે ‘સોલાર વિલેજ’!

PM સૂર્યઘર યોજનાથી ગ્રામજનોને મળશે વીજળી ખર્ચમાં રાહત

2.2 કિલોવોટની સોલાર પેનલ લગાવવાની કામગીરીનો પ્રારંભ

સ્વચ્છ ઊર્જા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામ્ય આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહેસાણા તાલુકાના ચિત્રોડીપુરા ગામે એક નવી પહેલનો પ્રારંભ થયો છે. રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના વિશેષ પ્રયાસો, સતત માર્ગદર્શન અને લોકહિતલક્ષી અભિગમના પરિણામે ચિત્રોડીપુરા ગામને સોલાર ઊર્જાથી સમૃદ્ધ અને પર્યાવરણમિત્ર ગામ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે.

દીપાવલીના પાવન પર્વના ઉત્સાહભર્યા માહોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી PM સૂર્યઘર : મફત વીજળી યોજના અંતર્ગત ગામના પરિવારોનાં ઘરો પર 2.2 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ સ્થાપિત કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ખાસ કરીને મજૂરી અને શ્રમ આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોને આ યોજનાનો લાભ મળવાથી તેમના ઘરેલું વીજળી ખર્ચમાં નોંધપાત્ર રાહત મળવાની સાથે આર્થિક બચતનો નવો માર્ગ ખુલશે. સૂર્ય ઊર્જાના ઉપયોગથી પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ઊર્જાને પ્રોત્સાહન આપવાનો પણ આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે.

મયંકભાઈ નાયકની પહેલથી ગ્રામ્ય વિકાસને ઊર્જાનો નવો આયામ

રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓનો લાભ છેવાડાના પરિવારો સુધી પહોંચે અને સામાન્ય નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે તે દિશામાં કરવામાં આવેલા પ્રયાસોના ભાગરૂપે ચિત્રોડીપુરાની આ પહેલને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આ લોકકલ્યાણકારી યોજના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, કાઉન્સિલર ધીરજ કરમચંદાણી, દેવેશ પટેલ, પંકજસિંહ દરબાર, જયદીપસિંહ ઠાકોર, બંકાભાઈ બારોટ, હર્ષદ પ્રજાપતિ, જય પટેલ, જીગર શાસ્ત્રી, ગામનાં સરપંચ ઠાકોર નીતાબેન, તલાટી મનીષાબેન ચૌધરી સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ચિત્રોડીપુરાની આ પહેલ માત્ર સોલાર પેનલ સ્થાપિત કરવાની કામગીરી પૂરતી સીમિત નથી, પરંતુ ગામના પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવા, સ્વચ્છ ઊર્જાનો વ્યાપ વધારવા અને ગ્રામ્ય વિકાસને નવી દિશા આપવાનો એક પ્રેરણાદાયી પ્રયાસ છે.

સૂર્ય ઊર્જાથી સમૃદ્ધ ચિત્રોડીપુરા – મયંકભાઈ નાયકના પ્રયાસોથી ગ્રામ્ય આત્મનિર્ભરતા અને પર્યાવરણ સંરક્ષણ તરફ એક નવી શરૂઆત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here