પાટણ: ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે બનેલી ચકચારી આંગડિયા લૂંટના ગુનાનો પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગણતરીના દિવસોમાં પર્દાફાશ કરી ₹૭૪,૭૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા છે. બનાસકાંઠા રેન્જ આઈજીપી પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓને ઉકેલવા મળેલી સૂચના મુજબ LCB પી.આઈ. જે.જી. સોલંકી અને તેમની ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી.
તપાસની વિગત મુજબ, ગત તા. ૨૩/૧૦/૨૦૨૬ના રોજ લખનઉના આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંગડિયા લૂંટનો બનાવ બન્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ગુજરાત તરફ આવ્યા હોવાની મળેલી બાતમીના આધારે પાટણ-સિદ્ધપુર હાઈવે પર રશિયનનગર નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન પસાર થઈ રહેલી એક શંકાસ્પદ XUV 500 કાર (નંબર UP.84.Q.5363) ને અટકાવી તલાશી લેતા ગાડીમાંથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબના ત્રણ આરોપીઓની અટકાયત કરી છે: ૧. દવે યશકુમાર નારણભાઈ (રહે. ત્રિભોવનપાર્ક, મહેસાણા હાઈવે રોડ, હારીજ, જિ. પાટણ) ૨. રાજગોર પ્રજ્ઞેશકુમાર અમરતલાલ (રહે. ચાણસોલ, તા. ખેરાલુ, જિ. મહેસાણા) ૩. પટેલ જયકુમાર ભગવાનદાસ (રહે. હિંગળાજપુરા, પોસ્ટ મોટપ, જિ. મહેસાણા)
પોલીસે આરોપીઓ પાસેથી ₹૫૦૦ના દરની ૧૨૮ બંડલ ભરેલી રોકડ રકમ ₹૬૪,૦૦,૦૦૦/-, ₹૭૫,૦૦૦/- ની કિંમતના ૫ મોબાઈલ ફોન તથા ₹૧૦,૦૦,૦૦૦/- ની કિંમતની XUV 500 કાર મળી કુલ ₹૭૪,૭૫,૦૦૦/- નો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), ૨૦૨૩ ની કલમ ૧૦૬ મુજબ જપ્ત કર્યો છે. આ શખ્સોની BNSS કલમ ૩૫(૧)(ઇ) હેઠળ ધરપકડ કરી પાટણ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે અને લખનઉ પોલીસને આગળની કાયદેસર કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ અગાઉ પણ ઉત્તરપ્રદેશમાં આચરેલી બે મોટી લૂંટની કબૂલાત કરી છે, જેમાં ત્રણ મહિના પહેલાં લખનઉ શહીદપથ ખાતેથી ₹૧૫ લાખ તેમજ બે મહિના પહેલાં કાનપુર ખાતેથી ₹૧૫ લાખની લૂંટ કરી હોવાનું કબૂલ્યું છે.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીઓને પકડવાના બાકી હોઈ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે: ૧. ચિરાગ યાદવ (રહે. અત્તાપુર, ફીરોજાબાદ, ઉત્તરપ્રદેશ) ૨. કલ્લુ યાદવ (રહે. ઉત્તરપ્રદેશ) ૩. સત્યમ યાદવ (રહે. ઉત્તરપ્રદેશ) ૪. રાહુલ યાદવ (રહે. ઉત્તરપ્રદેશ) ૫. ફુક્કી યાદવ (રહે. ઉત્તરપ્રદેશ)
આ સમગ્ર ઓપરેશનમાં LCB પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પીએસઆઈ એસ.બી. સોલંકી, પીએસઆઈ પી.વી. ચૌધરી, એએસઆઈ જાલુભા બાલસંગજી, એએસઆઈ દિનેશભાઈ ત્રિભોવનભાઈ, એએસઆઈ ઘનશ્યામસિંહ જગતસિંહ, એએસઆઈ અશોકકુમાર માધુભાઈ, આર્મ હેડ કોન્સ્ટેબલ મોડજી વરવાજી, આર્મ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ લાખાજી તથા આર્મ પોલીસ કોન્સ્ટેબલ મનુભાઈ કરશનભાઈ સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી.




