વિશ્વ વણકર દિવસે ગુજરાત હાથશાળ વિકાસ નિગમને પુનઃ જીવિત કરવા લેખિતમાં રજુઆત કરતાં અરૂણ સાધુ..

વડાપ્રધાન, મુખ્યમંત્રી અને કાપડ ઉદ્યોગ મંત્રી ને લેખિતમાં રજુઆત કરવામાં આવી..

પાટણ તા. ૧
વિશ્વ વણકર દિવસે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી, કેન્દ્રીય કાપડ મંત્રી ગીરીરાજસિંહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જાણીતા સામાજિક કાર્યકર અને ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુએ લેખિતમાં રજૂઆત કરી છે.
પહેલી ઓક્ટોબર એટલે વિશ્વ વણકર દિવસ ભારત સહિત દેશ વિદેશમાં વણાટ કામ સાથે સંકળાયેલા કરોડો લોકોએ પોતાની આગવી સુઝબુઝ થી વિવિધ પ્રકારના કાપડ હાથશાળ થકી વણાટ કામ કરીને સમગ્ર વિશ્વના લોકોને કપડાં પહેરવા માટેની જરૂરીયાતોને પરિપૂર્ણ કરી છે. જેમાં વણાટ કામ ક્ષેત્રે સંકળાયેલ દેશભરની વિવિધ જ્ઞાતિઓની સાથે વણકર સમાજનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે.
ભારત સરકાર જ્યારે આત્મનિર્ભર ભારત યોજના થકી એક મજબૂત ભારત એક અતૂટ ભારત બનાવવાની સાથે સ્વદેશી જાગૃત અભિયાન ચલાવ્યું છે ત્યારે વંશ પરંપરાગત વણાટ હસ્તકલા આજે અનેક પ્રકારના ટેકનોલોજી ફેરફારોના કારણે ડચકા ખાઈ રહી છે આવા સમયે વણાટ કામ સાથે સંકળાયેલ લોકોને આત્મ નિર્ભર ભારત યોજના અન્વયે એક આગવું પેકેજ યોજના મળી રહે અને તે ઉપરાંત ભારત સરકારના રાષ્ટ્રીય હાથશાળ હસ્તકલા વિકાસ નિગમ માં વણકર સમાજના લોકોની નિમણૂક કરવામાં આવે તેની સાથે અગાઉના વર્ષોમાં ગુજરાત સરકારે ગુજરાત હાથશાળ વિકાસ નિગમની રચના કરી હતી જેના થકી ગુજરાતના વણકર સમાજના કારીગરોને સારી એવી મદદ મળી રહેતી હતી પરંતુ પાછલા ઘણા વર્ષોથી આ નિગમને સ્વતંત્ર રીતે બંધ કરી દેવામાં આવેલું છે.
પહેલા ગુજરાત હાથશાળ વિકાસ નિગમ જ્યારે કાર્યરત હતું ત્યારે આ નિગમની અંદર વણાટ કામ સાથે સંકળાયેલા કારીગરો ઉપરાંત વણકર સમાજના જાહેર જન પ્રતિનિધિઓ પણ બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા અને જેના કારણે ગુજરાત રાજ્યમાં કાપડ ઉદ્યોગના વિકાસમાં ટેક્સટાઇલ માર્કેટની સાથે વણાટકામ થકી મોટા પ્રમાણમાં કાપડ ઉત્પાદન થતું હતું. અને તેની સાથો સાથ વણાટકામ સાથે સંકળાયેલા કારીગરોને ઘરે બેઠા રોજગારી મળી રહેતી હતી. જેના દ્વારા આવા કારીગરો પોતાના પરિવારોનું ગુજરાન સરળતાથી ચલાવી શકતા હતા.
વર્તમાન સમયમાં ગુજરાતમાં વસવાટ કરતા ૪૫ લાખથી વધારે વણકર સમાજના લોકો સહિત વિવિધ સમાજના વણાટકામ સાથે સંકળાયેલા કારીગરોની હાલત દયનીય કફોડી છે. ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી વિધાનસભામાં એક વિધેયક લાવીને પુનઃ ગુજરાત રાજ્ય હાથશાળ વિકાસ નિગમને સ્વતંત્ર રીતે કાર્યાન્વિત કરે અને આ નિગમને પ્રતિવર્ષ ૨૦૦ કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ પણ જાહેર કરે તે જરૂરી છે.
રાષ્ટ્રીય હાથશાળ વિકાસ નિગમમાં ગુજરાતના વણાટકામ કરતા કારીગરો ઉપરાંત વણકર સમાજના આગેવાનો રાજકીય પ્રતિનિધિઓની પણ બોર્ડ ઓફ ડિરેક્ટર કે અન્ય પદ ઉપર સત્વરે નિમણૂક કરી જેથી વણાટ કામ જેવા વંશ પરંપરાગત કાર્યમાં તેજી આવે અને સાચા આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન ફળિભૂત થાય તેવી રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here