કાકોશી પોલીસની મોટી સફળતા: રાત્રિના સમયે બોરવેલના કેબલ ચોરતી ટોળકીના બે સાગરીતો ઝડપાયા

પાટણ: પાટણ જિલ્લાના કાકોશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો અને ગ્રામ પંચાયતના બોરવેલમાંથી કેબલ ચોરી થવાની ઘટનાઓએ ભારે ચિંતા જન્માવી હતી. આ વણઉકેલાયેલા ગુનાઓને ઉકેલવા માટે પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને સિધ્ધપુર નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ કાકોશી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.

ટેકનોલોજી અને બાતમીના આધારે પકડાયા ચોર

કાકોશી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. લિંબાચીયા અને તેમની ટીમ દ્વારા ચોરીના સ્થળોના સી.સી.ટી.વી. ફૂટેજનું બારીકાઈથી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એક શંકાસ્પદ સિલ્વર કલરની હ્યુન્ડાઈ આઈ-10 ગાડી (નંબર- GJ 08 DG 9672) નજરે પડી હતી. દરમિયાન, હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ અને કોન્સ્ટેબલ પ્રકાશસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ ગાડી ઉમરૂ ચોકડીથી કાકોશી તરફ આવી રહી છે. પોલીસે વોચ ગોઠવી કાકોશી મીરાલીમડી પાસે ગાડીને આંતરી તેમાં સવાર બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

advertisement

પકડાયેલ આરોપીઓ અને તેમની મોડસ ઓપરેન્ડી

પકડાયેલા શખ્સોમાં:

  1. યુનુસભાઈ ઉર્ફે ઇનેશભાઇ અલારખાભાઈ ઘાંચી (રહે. વાવ, જિ. બનાસકાંઠા).
  2. અભાભાઇ ગંગારામભાઇ ઠાકોર (રહે. ગંભીરપુરા, તા. ધરણીધર, જિ. બનાસકાંઠા).
    આ ચોરો રાત્રિના સમયે રોડની નજીક આવેલા સૂમસામ બોરવેલને નિશાન બનાવતા હતા. બોરની ઓરડી સુધી જે કેબલ વાયર ખુલ્લા દેખાતા હોય તેને કટર વડે કાપીને ચોરી કરવામાં તેઓ માહિર હતા. પ્રાથમિક પૂછપરછમાં તેઓએ કાકોશી, સહેસા, ધનપુરા, અને નાંદોત્રી સહિતના 11 જેટલા ગામોમાં કુલ 16 જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ ચોરીના સ્થળોએ તેમને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન આરોપીઓનો જાહેરમાં વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

કબ્જે કરાયેલ મુદ્દામાલ

પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 2,35,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં:

  • આશરે 470 ફૂટ તાંબાના કેબલ વાયર (કિંમત રૂ. 1,05,450/-).
  • ગુનામાં વપરાયેલ હ્યુન્ડાઈ આઈ-10 ગાડી (કિંમત રૂ. 50,000/-).
  • રોકડ રકમ રૂ. 50,000/-.
  • બે મોબાઈલ ફોન અને વાયર કાપવાનું કટર.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

પકડાયેલ આરોપી યુનુસભાઈ અગાઉ પણ છાપી અને થરાદ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. કાકોશી પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 303(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પી.એસ.આઈ. લિંબાચીયા સાથે આઈ.ટી. એક્સપર્ટ દેવ મોદી અને પોલીસ સ્ટાફના જવાનો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here