ગુજરાતમાં ઈન્ડિયા પોસ્ટ દ્વારા રાજ્યકક્ષાની ‘એક્સપોર્ટર્સ મીટ’નું અમદાવાદમાં આયોજન

ટૂંક સમયમાં ‘ઇન્ડિયા પોસ્ટ ગ્લોબલ એક્સપ્રેસ’ સેવા શરૂ થશે

ગ્રામીણ ઉદ્યોગસાહસિકો અને સ્થાનિક વ્યવસાયોને વૈશ્વિક બજાર સાથે જોડવામાં પોસ્ટ વિભાગની મહત્વપૂર્ણ ભૂમિકા – ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવળેશ્વરકર

ગુજરાત પરિમંડળમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય મેલ અને પાર્સલ સેવાઓમાં ગયા વર્ષની સરખામણીએ 70% વૃદ્ધિ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ઈન્ડિયા પોસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મેલ અને લોજિસ્ટિક્સ સેવાઓના વિસ્તરણ, નિકાસકારો સાથે વધુ સારો સમન્વય સ્થાપિત કરવા તેમજ ગ્રાહકોને વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાના હેતુથી ગુજરાતમાં રાજ્યકક્ષાની ‘નિકાસકાર પરિષદ’ (એક્સપોર્ટર મીટ)નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું. પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ)ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિત વિવિધ શહેરોના અગ્રણી નિકાસકારો, વિવિધ ટ્રેડ અને બિઝનેસ એસોસિએશનોના હોદ્દેદારો તેમજ પોસ્ટ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો. ડાક નિદેશાલય, નવી દિલ્હીથી ઉપસ્થિત રહેલા સહાયક મહાનિદેશક શ્રી હિમાંશુ ચૌધરીએ આંતરરાષ્ટ્રીય મેલ અને પાર્સલ સેવાઓ, કાર્યપદ્ધતિ, સેવા વિતરણમાં સુધારો, માર્કેટિંગ વ્યૂહરચનાઓ તેમજ નવા વ્યવસાયિક તકો અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત માહિતી આપી. આ ઉપરાંત, પોસ્ટ વિભાગ દ્વારા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનારી આંતરરાષ્ટ્રીય સેવા ‘ઇન્ડિયા પોસ્ટ ગ્લોબલ એક્સપ્રેસ’ અંગે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી.

આ પ્રસંગે ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકરે જણાવ્યું કે, આ નિકાસકાર પરિષદ (એક્સપોર્ટર મીટ) માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ નિકાસકારો, ઉદ્યોગસાહસિકો અને ઈન્ડિયા પોસ્ટ વચ્ચે સંવાદ અને સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ નવી વ્યાવસાયિક સંભાવનાઓ શોધવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ છે. વાણિજ્યિક નિકાસને પ્રોત્સાહન આપવા અને નિકાસકારોને સરળ તથા એકીકૃત સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતમાં 57 ડાકઘર નિર્યાત કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોના માધ્યમથી ગુજરાતના નાના શહેર કે ગામમાં બેઠેલો ઉદ્યોગસાહસિક પણ પોતાનાં ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવાની દિશામાં પગલાં ભરી શકે છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં આવેલ બ્રાંચ પોસ્ટઓફિસના માધ્યમથી ચાલુ વર્ષ દરમિયાન 5,000થી વધુ આંતરરાષ્ટ્રીય પાર્સલોનું બુકિંગ કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ ગ્રામીણ ઉદ્યોગસાહસિકો અને સ્થાનિક વ્યવસાયોને વૈશ્વિક બજારો સાથે જોડવાની સાથે સાથે ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનોને પ્રોત્સાહન આપવામાં ઈન્ડિયા પોસ્ટની મહત્વપૂર્ણ ભૂમિકાને દર્શાવે છે.

ગુજરાત પરિમંડળના પોસ્ટમાસ્ટર જનરલ (લોજિસ્ટિક્સ) શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, દેશની જીડીપીમાં ગુજરાતનો ફાળો આશરે 8.5 ટકા અને કુલ નિકાસમાં આશરે 25 ટકા છે. રાજ્યની અર્થવ્યવસ્થામાં ઔદ્યોગિક ક્ષેત્રનો હિસ્સો આશરે 43 ટકા છે. પેટ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ, સિરામિક્સ, ડેરી તેમજ ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં ગુજરાતે પોતાની વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરી છે. રાષ્ટ્રીય ઔદ્યોગિક ઉત્પાદનમાં આશરે 20 ટકાના યોગદાન સાથે ગુજરાત ઔદ્યોગિક વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને નિકાસ ક્ષમતાના એક અગ્રણી કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. આ રીતે, ગુજરાતનું વિકાસ મોડેલ ઔદ્યોગિક પ્રગતિ, ઉદ્યોગસાહસિકતા, ઉત્પાદન આધારિત અને નિકાસલક્ષી અર્થવ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાત પરિમંડળે ચાલુ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન આંતરરાષ્ટ્રીય મેલ અને પાર્સલ સેવાઓમાં ગત વર્ષની સરખામણીએ 70 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ વિભાગની ‘ઇન્ડિયા પોસ્ટ ગ્લોબલ એક્સપ્રેસ’ સેવાને એક મહત્વપૂર્ણ પહેલ ગણાવતા જણાવ્યું કે, આ સેવા એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ, સ્થાનિક ઉદ્યોગસાહસિકો, કારીગરો તેમજ ઈ-કોમર્સ નિકાસકારોને ઝડપી, સરળ અને સ્પર્ધાત્મક દરે વૈશ્વિક બજારો સુધી પહોંચવાની સુવિધા પૂરી પાડશે.

સહાયક મહાનિદેશક શ્રી હિમાંશુ ચૌધરીએ જણાવ્યું કે, ઈન્ડિયા પોસ્ટ હાલમાં ચાર પ્રકારની મુખ્ય આંતરરાષ્ટ્રીય મેલ સેવાઓ પૂરી પાડી રહ્યો છે. તેમાં 2 કિલોગ્રામ સુધીના દસ્તાવેજો મોકલવા માટે આંતરરાષ્ટ્રીય રજિસ્ટર્ડ લેટર સેવા, 2 થી 5 કિલોગ્રામ સુધીના ઈ-કોમર્સ પાર્સલોની નિકાસ માટે આંતરરાષ્ટ્રીય ટ્રેક્ડ પેકેટ સેવા, 20 કિલોગ્રામ સુધીના પાર્સલો મોકલવા માટે આંતરરાષ્ટ્રીય પાર્સલ સેવા તથા 30 કિલોગ્રામ સુધીના દસ્તાવેજો અને પાર્સલોને 6થી 10 દિવસમાં ઝડપી પહોંચાડવા માટે એક્સપ્રેસ મેલ સેવા નો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રસ્તાવિત ‘ઇન્ડિયા પોસ્ટ ગ્લોબલ એક્સપ્રેસ’ સેવા દ્વારા આંતરરાષ્ટ્રીય દસ્તાવેજો અને પાર્સલોની ડિલિવરી માત્ર 4થી 6 દિવસમાં સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

વિદેશ વેપારના સંયુક્ત મહાનિદેશક ડૉ. રાહુલ સિંહે ભારત સરકાર દ્વારા નિકાસને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અંગે માહિતી આપી. ઇન્ડિયા પોસ્ટ દ્વારા પોતાના વિશાળ નેટવર્કના માધ્યમથી નિકાસકારો, ઉદ્યોગસાહસિકો અને ઈ-કોમર્સ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મેલ અને પાર્સલ સેવાઓના માધ્યમથી નાના ઉદ્યોગસાહસિકો પણ પોતાનાં ઉત્પાદનો વિદેશમાં ગ્રાહકો સુધી સરળતાથી પહોંચાડી શકે છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ શ્રી હિતેન વસંતે જણાવ્યું કે, પોસ્ટ વિભાગની આંતરરાષ્ટ્રીય મેલ સેવાઓ સ્થાનિક વેપારીઓ, એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સ માટે વૈશ્વિક બજારો સુધી પહોંચવાની નવી તકો પૂરી પાડી રહી છે. તેમણે ઉદ્યોગ જગત અને ઈન્ડિયા પોસ્ટ વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ ગુજરાતના વધુમાં વધુ ઉદ્યોગસાહસિકોને આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે જોડવા માટે આહ્વાન કર્યું.

ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સના શ્રી જયપ્રકાશ ગોયલે જણાવ્યું કે, ભારતીય નિકાસકારો, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે સ્પર્ધાત્મક દરે વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય શિપિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ સમયની માંગ છે. આ દિશામાં ઈન્ડિયા પોસ્ટ પોતાની વ્યાપક પહોંચ અને આંતરરાષ્ટ્રીય મેઇલ સેવાઓના માધ્યમથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

અમદાવાદ કસ્ટમ્સ બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખ ડૉ. દર્શન મશરૂએ જણાવ્યું કે, નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરળ કસ્ટમ્સ પ્રક્રિયાઓ અને સુવ્યવસ્થિત લોજિસ્ટિક્સ વ્યવસ્થા અત્યંત આવશ્યક છે. તેમણે ગુજરાતના ફોરેન પોસ્ટ ઑફિસમાં ઉપલબ્ધ કસ્ટમ્સ અને નિકાસ સંબંધિત સુવિધાઓ તથા વ્યવસ્થાઓની પ્રશંસા કરી અને આ દિશામાં ઈન્ડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો.

આ કાર્યક્રમમાં રાજકોટના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી પવન કુમાર દાલમિયા, નિદેશક ડાક સેવા સુશ્રી અનુબ્રતા દાસ, સહાયક મહાનિદેશક શ્રી હિમાંશુ ચૌધરી, વિદેશ વેપારના સંયુક્ત મહાનિદેશક ડૉ. રાહુલ સિંહ, ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ શ્રી હિતેન વસંત, ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સના શ્રી જયપ્રકાશ ગોયલ, અમદાવાદ કસ્ટમ્સ બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખ ડૉ. દર્શન મશરૂ, પ્રવર અધિક્ષક, રેલ ડાક સેવા શ્રી પીયૂષ આર. રાજક, પ્રવર અધિક્ષક સુશ્રી વર્ષા કરાંડે, શ્રી એસ. કે. બુનકર, શ્રી શુભમ ડોંગરદિવે, શ્રી એસ. એલ. વી. રાવ, અધિક્ષક શ્રી વિપુલ ગુપ્તા, શ્રી આઈ. એન. ક્રિશ્ટી, સહાયક નિદેશક શ્રી અલ્પેશ શાહ, સુશ્રી કિંજલ શાહ, શ્રી પરાગ વાસનિક, શ્રી જગદીશ જીદ, શ્રી રોનક શાહ, નિરીક્ષક શ્રી દક્ષેશ ચૌહાણ, શ્રી ભાવિન પ્રજાપતિ, શ્રી યથાર્થ દુબે, શ્રી યોગેન્દ્ર રાઠોડ સહિત અનેક અધિકારીઓ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ તેમજ વિવિધ કોર્પોરેટ સંસ્થાઓ અને વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here