5 દિવસમાં 21 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લઇને વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ તળાવ નિહાળ્યા…

પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ તળાવમાં દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બેસતાવર્ષથી લાભપાંચમ દરમ્યાન છેલ્લા પાંચ દિવસમાં 21 હજારથી વધુ ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી.
વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ રાણકીવાવ તેની ભવ્ય અને અદભુત શિલ્પકૃતિઓ માટે વિશ્વભરમાં જાણીતી છે. આ વાવ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે, જેઓ તેની કલાત્મક કોતરણી અને સ્થાપત્ય જોઈને આશ્ચર્યચકિત થાય છે. તહેવારોના માહોલમાં અનેક પરિવારોએ રાણકીવાવની મુલાકાત લીધી હતી. પ્રવાસીઓ યાદગીરી રૂપે સેલ્ફી લેતા અને વાવના પરિસરમાં સમય વિતાવતા જોવા મળ્યા હતા.
બેસતુ વર્ષ અને 22 ઓક્ટોબરના રોજ 6693 ભારતીય અને 11 વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. 23 ઓક્ટોબર (ભાઈ બીજ)ના રોજ 3740 ભારતીય અને 06 વિદેશી, જ્યારે 24 ઓક્ટોબર (ત્રીજ)ના રોજ 4222 ભારતીય અને 08 વિદેશી પ્રવાસીઓ નોંધાયા હતા. 25 ઓક્ટોબરે 3724 ભારતીય અને 16 વિદેશી, જ્યારે 26 ઓક્ટોબરે 3133 ભારતીય અને 3 વિદેશી પ્રવાસીઓએ રાણકીવાવની મુલાકાત લીધી હતી.



