નવરાત્રી ના ગણતરીના દિવસો બાકી છતાં પાટણમાં કોમર્શિયલ ગરબા મહોત્સવની મંજુરી તંત્ર દ્વારા પેન્ડિંગ..

આયોજકોની અરજીઓ પર અધિકારીઓનો અભિપ્રાય હજુ બાકી હોવાનું જાણવા મળ્યું..

પાટણ તા.૧૮
નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરી ગરબાની સાથે સાથે કોમર્શિયલ ધોરણે યોજાતા નવરાત્રિ મહોત્સવોની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી એક પણ કોમર્શિયલ ગરબા આયોજકને મંજૂરી આપવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.
આગામી 22મી સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. શહેરના બજારોમાં ચણીયાચોળી, કેડીયુ, મોજડી અને ટ્રેડિશનલ કપડાં સહિતની નવરાત્રિ સંબંધિત ચીજવસ્તુઓનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહોલ્લા,પોળો અને સોસાયટીઓમાં પણ આયોજકો દ્વારા ચાચર ચોકને સજાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
પાટણ શહેરમાં કોમર્શિયલ ધોરણે ગરબા મહોત્સવ યોજવા માટે ત્રણ અરજીઓ પ્રાંત કચેરીમાં આવી છે. પટેલ હર્ષ દ્વારા ખોડા ભા હોલ ખાતે ‘હેરિટેજ ગરબા’ માટે, ભાવેશકુમાર બિપીન
ચંદ્ર ત્રિવેદી દ્વારા માધવ ફાર્મ ખાતે ‘બોલિવૂડ ધમાલ’ માટે અને શિવમ જે. પટેલ દ્વારા પાંજરાપોળ મેદાન ખાતે રોટરેક્ટ ક્લબ આયોજિત ‘રણકાર ગરબા’ માટે મંજૂરી માંગવામાં આવી છે.
પ્રાંત અધિકારીની મંજૂરી માટે આવેલી આ અરજીઓ પર વિવિધ વિભાગોના અભિપ્રાયો લેવામાં આવી રહ્યા છે.જેમાં લાઉડસ્પીકર અને અન્ય વ્યવસ્થા માટે મામલતદાર,કાયદો અને વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ મથકના પીઆઈ, ફાયર સેફ્ટી માટે નગરપાલિકાના ફાયર વિભાગની NOC, તેમજ સ્ટેજ અને સુવિધાઓ માટે R&Bના મિકેનિકલ અને UGVCL સહિતના સંબંધિત તંત્રના અભિપ્રાયો મેળવવામાં આવશે. પ્રાંત કચેરી દ્વારા જણાવાયું છે કે તમામ વિભાગોના અભિપ્રાયો આવ્યા બાદ જ ગરબાની પરવાનગી આપવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here