પાટણ, ૨૧ મે:
ભારતીય ડાક વિભાગ દ્વારા “ડાક સેવા-જનસેવા” ના સૂત્રને સાર્થક કરવા માટે એક મહત્વપૂર્ણ જનહિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. જનતાની વધતી માંગ, વિદ્યાર્થીઓના પ્રવેશ, શિષ્યવૃત્તિ અને વિવિધ સરકારી યોજનાઓમાં આધાર કાર્ડની અનિવાર્યતાને ધ્યાનમાં રાખીને પાટણ હેડ પોસ્ટ ઓફિસ આગામી રવિવારે પણ કાર્યરત રાખવામાં આવશે.
પાટણ ડિવિઝનના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફીસીઝ દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટ અનુસાર, તારીખ ૨૪ મે, ૨૦૨૬ (રવિવાર) ના રોજ પાટણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે વિશેષ આધાર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓને મોટી રાહત
આ વિશેષ કેમ્પનો સમય સવારે ૦૯:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક સુધીનો રહેશે. રજાના દિવસે આ સેવા શરૂ રહેવાના કારણે નોકરીયાત વર્ગ, વેપારીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વડીલો, જેઓ કામકાજના દિવસોમાં સમય નહોતા કાઢી શકતા, તેઓ હવે સરળતાથી આધાર સેવાઓનો લાભ મેળવી શકશે. પાટણ શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકોને જરૂરી દસ્તાવેજો સાથે આ અભિયાનનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
કઈ-કઈ સેવાઓ ઉપલબ્ધ રહેશે?
આ વિશેષ કેમ્પ દરમિયાન નીચે મુજબની આધાર સેવાઓ પૂરી પાડવામાં આવશે:
- નવા આધાર કાર્ડ માટેની નોંધણી
- નામ, સરનામું, જન્મ તારીખ વગેરે જેવી વિગતોમાં સુધારા
- મોબાઈલ નંબર ઉમેરવા અથવા બદલવા
- ઈ-મેઈલ આઈડી અપડેટ કરવું
- બાયોમેટ્રિક અપડેટ (નિયમ મુજબના તમામ બાયોમેટ્રિક ફેરફારો)
આધાર સેવાના નિયત ચાર્જ (UIDAI મુજબ):
પોસ્ટ ઓફિસ ખાતે આપવામાં આવતી સેવાઓ સંપૂર્ણ પારદર્શક અને વચેટિયાઓ મુક્ત રહેશે, જેના ચાર્જ નીચે મુજબ છે:
- નવું આધાર કાર્ડ: તદ્દન મફત (નિઃશુલ્ક)
- આધાર વિગતોમાં સુધારો: ₹૭૫/- માત્ર
- બાયોમેટ્રિક અપડેટ: ₹૧૨૫/- માત્ર
બાળકો માટે ‘ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ’ (MBU) અંગે ખાસ સૂચના
UIDAI ના નિયમો અનુસાર વાલીઓ માટે પોતાના બાળકોનું બાયોમેટ્રિક અપડેટ કરાવવું અનિવાર્ય છે. જો સમયસર અપડેટ ન કરાવવામાં આવે તો ભવિષ્યમાં શાળા પ્રવેશ, સ્કોલરશિપ, બેંકિંગ અને સરકારી યોજનાઓના (DBT) લાભ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
- પ્રથમ અપડેટ: ૫ વર્ષ પૂર્ણ કરનાર બાળકો માટે ફરજિયાત છે.
- બીજું અપડેટ: ૧૫ વર્ષ પૂર્ણ થયા બાદ કરાવવું ફરજિયાત છે.
ડાક વિભાગે સ્પષ્ટતા કરી છે કે પોસ્ટ ઓફિસની આ સેવાઓ સંપૂર્ણ સુરક્ષિત અને વિશ્વસનીય છે અને નાગરિકોને કોઈપણ વધારાના ચાર્જ કે વિલંબ વગર સીધી ગુણવત્તાસભર સેવા મળશે.




