પાટણ તા.૧૮
આજે જ્યારે સમગ્ર ભારતમાં ‘ફિટ ઇન્ડિયા’,’ રાઈટ ઇટ ઇન્ડિયા’, ‘ સ્વસ્થ નારી ,સશક્ત પરિવાર’ જેવા વિવિધ કાર્યક્રમો જનમાનસમાં આહાર પ્રત્યે જાગરૂકતા ફેલાવવા ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે ગુરુવારે ‘સર્વે સંતુ નિરામયા’ ની ભાવના સાથે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠ એમ.એન.સાયન્સ કોલેજ પાટણ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાઇન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર સંચાલિત પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય પાટણ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ખોરાકમાં સલામતી પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
શેઠ એમ.એન. સાયન્સ કોલેજમાં છેલ્લા 15 વર્ષથી એક વર્ષીય યુ.જી.સી માન્ય ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી સર્ટિફિકેટ કોર્સ કાર્યરત છે. વિદ્યાર્થીઓમાં ઔદ્યોગિક જ્ઞાન અને ઉદ્યોગ સાહસિકતાનો ગુણ વિકસે એ માટે કાર્યરત આ સર્ટિફિકેટ કોર્સમાં સમાજમાં જનજાગૃતિ ફેલાવવા પણ પ્રયાસ કરવામાં આવે છે. જેમાં એક દિવસીય ફૂડ એડલ્ટરેશન અને સેફટી જેવા કાર્યક્રમનો સમાવેશ થાય છે.


આજે યોજાયેલ ફૂડ એડલ્ટ્રેશન અને સેફટી કાર્યક્રમમાં મહેમાન તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલગુરુ ડૉ.કે.સી.પોરિયા NGES કેમ્પસના સીડીઓ પ્રો.જયભાઈ ધ્રુવ,અખિલ આંજણા કેળવણી મંડળ પાટણના પ્રમુખ હરીશભાઈ ચૌધરી, ફૂડ સેફ્ટી ઓફિસર સુશ્રી પ્રિયંકાબેન ચૌધરી, કોલેજના આચાર્ય ડૉ. પી. જે.વ્યાસ,પુનાભા લોક
વિજ્ઞાન કેન્દ્રના ઓર્ડિનેટર વણવીર ભાઈ ચૌધરી, રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.એમ.પી. બ્રહ્મભટ્ટ તથા ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીના કો-ઓર્ડીનેટર ડૉ.એલ.એસ.ભૂતડીયા હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓ દ્વારા ખોરાકમાં થતી ભેળસેળ અને તેને પારખવા માટેની કસોટી , જંક ફુડ થી થતા નુકસાન, દવાઓમાં થતી ભેળસેળ, પોષણયુક્ત આહાર તથા શ્રીઅન્ન પર જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં દૂધ અને દૂધની બનાવટોમાં થતી ભેળસેળ, તેલ અને ચરબીમાં થતી ભેળસેળ, મરી- મસાલા, શાકભાજી અને ફળો વગેરેમાં થતી ભેળસેળને પારખવા માટેની કસોટીઓ તથા તેનાથી થતા નુકસાન વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી. શ્રી અન્ન એટલે કે જાડા ધાન્યમાંથી મળતા વિવિધ પોષક તત્વોને વાનગીઓ દ્વારા સમજાવવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં વિવિધ શાળાના તેમજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
કાર્યક્રમમાં હાજર કુલગુરુ ડૉ.કે.સી.પોરિયા દ્વારા વિદ્યાર્થીઓને ભેળસેળથી થતા રોગો અને નુકસાન વિશે જાણકારી આપવામાં આવી હતી તથા આ જનજાગૃતિ ફેલાવતા વર્કશોપની પ્રશંસા કરી હતી. ઉપરાંત સીડીઓ પ્રો.જયભાઈ ધ્રુવ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. સુશ્રી પ્રિયંકાબેન ચૌધરી દ્વારા જાણી જોઈને તથા અજાણતા થતી ભેળસેળ પર વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. ઉપસ્થિત હરેશભાઈ ચૌધરી દ્વારા ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીના કો-ઓર્ડીનેટર ડૉ.એલ.એસ.ભૂતડીયા અને વિદ્યાર્થીઓના આવા જનજાગૃતિ ના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



