વિદ્યાર્થીઓમાં ધાર્મિક શ્રદ્ધા, સાંસ્કૃતિક મૂલ્યો અને પર્યાવરણ સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્રમનુ આયોજન કરાયુ.

પાટણ
ઉ.ગુ.યુવક મંડળ સંચાલિત શેઠશ્રી એન.જી.પટેલ (એમ. એન) પ્રાથમિક શાળામાં શ્રાવણ માસમાં ભગવાન શિવની ભવ્ય પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ખાસ વિશેષતા પર્યાવરણને અનુકૂળ શિવલિંગ અને અમરનાથ ધામની આકર્ષક પ્રતિકૃતિ હતી, જે દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમની શરૂઆત હર હર મહાદેવ! જેવા નાદ, ભજન દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પધારેલ મહેમાનો-મંડળના સહમંત્રીશ્રી અશોકભાઈ પટેલ, નગર સેવક મનોજભાઈ પટેલ,વહીવટી દિનેશભાઈ પટેલ, ડૉ.ધનરાજભાઈ ઠક્કર તથા શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ દ્વારા શિવપૂજાની પરંપરા મુજબ શિવલિંગ પર ગંગાજળ, દૂધ, અને બિલ્વપત્રથી અભિષેક કરવામાં આવ્યો સાથે મહેમાનો અને વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શિવની આરતી કરવામાં આવી.

પૂજા પછી, શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી બાળકોને ભક્તિ અને આનંદની લાગણી થઈ હતી. આમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શિવપૂજામાં ભક્તિભાવ અને ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે શાળાના કેટલાક વિદ્યાર્થીઓએ ભગવાન શિવ,મા પાર્વતી અને ભગવાન ગણેશની ભૂમિકા ભજવીને સુંદર પ્રદર્શન કર્યું હતું.
શાળાના શિક્ષિકા પ્રિયંકાબેનના માર્ગદર્શન હેઠળ પૂનમબેન અને તેમના સહાયક શિક્ષકોએ બાળકોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવારના કહેવા મુજબ આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં ધાર્મિક શ્રદ્ધા, સાંસ્કૃતિક મૂલ્યો અને પર્યાવરણ સંરક્ષણ વિશે જાગૃતિ લાવશે.
આ કાર્યક્રમનો હેતુ બાળકોને ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોથી વાકેફ કરવાનો અને તેમનામાં ભક્તિ અને નૈતિકતાની ભાવના જાગૃત કરવાનો હતો તેમ શાળા પરિવારે જણાવ્યુ હતું.



