પાટણની એન.જી.પટેલ પ્રા.શાળામાં પર્યાવરણપ્રેમી અને સ્વદેશી રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી

પાટણ:
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન.) પ્રાથમિક શાળા ખાતે પવિત્ર રક્ષાબંધન પર્વની ખૂબ જ ઉત્સાહભેર અને ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની ઉજવણી માત્ર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ પૂરતી સીમિત ન રહેતા ભારતીય સંસ્કૃતિ, સ્વદેશી ભાવના અને પર્યાવરણ સંરક્ષણના અનોખા સંદેશ સાથે યોજાઈ હતી, જે સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
કુદરતી વસ્તુઓમાંથી બનાવી ઇકો-ફ્રેન્ડલી રાખડીઓ
શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓએ ચાઇનીઝ મટીરિયલ અને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરી પોતાના હાથે અનાજ, કઠોળ, કપાસ, ફૂલો, વૃક્ષના પાંદડાં અને સૂતરના દોરા જેવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને સુંદર ઇકો-ફ્રેન્ડલી રાખડીઓ તૈયાર કરી હતી. બજાર આધારિત ચીજવસ્તુઓના સ્થાને સ્થાનિક સંસાધનો અને સ્વદેશી ચીજોને પ્રોત્સાહન આપવાનો અદ્ભુત સંદેશ વિદ્યાર્થીઓએ આ કલાકૃતિઓના પ્રદર્શન દ્વારા આપ્યો હતો.
ભાઈ-બહેનના સ્નેહ સાથે સંસ્કારોનું સિંચન
શાળાના પ્રાર્થના હોલ અને પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ ભાઈઓના લલાટ પર કુમકુમ તિલક કરી, હાથ પર સુંદર રાખડી બાંધી ચોકલેટથી મોં મીઠું કરાવ્યું હતું. ભાઈઓએ પણ બહેનોના રક્ષણનું વચન આપી સુંદર ભેટ સોગાદો અર્પણ કરી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી વસંતભાઈ પટેલે બાળકોને પૌરાણિક કથાઓ દ્વારા રક્ષાબંધન પર્વનું મહત્ત્વ સમજાવ્યું હતું અને સમગ્ર શાળા પરિવાર તરફથી શુભકાશાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે શિક્ષકશ્રી ખેતનભાઈ મોદીએ આચાર્યશ્રી, આયોજક અંકિતાબેન પટેલ, પ્રિયંકાબેન પટેલ તેમજ તમામ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉજવણી બાળકોમાં ભાઈચારો, પ્રેમ અને પરસ્પર રક્ષાના સંસ્કારોનું સિંચન કરનાર અવિસ્મરણીય પ્રસંગ બની રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here