પાટણની એમ.એન.સ્કૂલને AI વર્ગો માટે મુખ્યમંત્રીનું સન્માનપત્ર પ્રાપ્ત થયું..

ભૂતપૂર્વ વિદ્યાર્થીના સહયોગથી 80 વિદ્યાર્થીઓએ Al ની નિઃશુલ્ક તાલીમ મેળવી…

પાટણ તા. 5
પાટણની એમ.એન. પટેલ સ્કૂલને વિદ્યાર્થીઓ માટે આયોજિત નિઃશુલ્ક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)વર્ગો બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી વિશેષ પ્રશસ્તિપત્ર મળ્યું છે. શાળાનો ઉદ્દેશ્ય મધ્યમ અને સામાન્ય પરિવારના બાળકોને ડિજિટલ ક્રાંતિ સાથે કદમ મિલાવવામાં મદદ કરવાનો છે. શાળાના પ્રિન્સિપાલ ડો. ધનરાજભાઈ ઠક્કરે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે પાછળ ન રહે તે માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.આ સમગ્ર પ્રોજેક્ટ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ડાયનેમિક ફાઉન્ડેશનના ઉદ્યોગપતિ બી.કે. પટેલના આર્થિક સહયોગ અને માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયો હતો. તેમણે શાળા પ્રત્યેના ઋણ સ્વીકાર રૂપે આ આધુનિક ક્લાસ માટે સંપૂર્ણ આર્થિક વ્યવસ્થા કરી હતી.
આ વર્ગો દર શનિવારે સવારે 10 થી બપોરે 1 દરમિયાન ચલાવવામાં આવતા હતા, જેમાં શાળાના 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અમદાવાદથી આવતા ઇન્ટરનેશનલ ટ્રેનર ચાર્મીશબેન મણિયાર દ્વારા વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ વર્ગોની સફળતાને ધ્યાનમાં રાખીને,બી.કે. પટેલે આગામી સમયમાં પણ પ્રતિ વર્ષ ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક AI તાલીમ વર્ગો ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
શાળા દ્વારા શરૂ કરાયેલી આ વિશેષ શૈક્ષણિક પ્રવૃત્તિની માહિતી સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી હતી.મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તરફથી આ પ્રવૃત્તિને બિરદાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તાક્ષર સાથેનું વિશેષ પ્રશસ્તિપત્ર શાળાને મોકલવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે આ પ્રકારના કૌશલ્ય વર્ધનના પ્રયોગોને રાજ્યની અન્ય શાળાઓ માટે પણ અનુકરણીય ગણાવ્યા છે.
પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીએ સત્તાવાર રીતે આ સન્માન પત્ર શાળાના સંચાલક મંડળ અને પ્રિન્સિપાલ ડૉ.ધનરાજ ઠક્કરને શુક્રવારે રૂબરૂ સુપ્રત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here