પાટણમાં કોંગ્રેસ કાર્યાલય પર શાહી ફેંકવા મામલે રાજકીય ભડકો: સાંસદ ગેનીબેન ઠાકોર અને MLA કિરીટ પટેલનો પોલીસ-ભાજપ સામે મોરચો, ઉગ્ર આંદોલનની ચીમકી

પાટણ:
પાટણ ખાતે કોંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધીના પોસ્ટર પર શાહી ફેંકવા અને ત્યારબાદ સર્જાયેલા ઘર્ષણ મામલે સમગ્ર પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી એકતરફી કાર્યવાહી અને કોંગ્રેસ કાર્યકરો સામે દાખલ કરાયેલા ગંભીર ગુનાના વિરોધમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે સંયુક્ત મોરચો માંડી ભાજપ તથા પોલીસ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા.


ભાજપ મહિલા મોર્ચાએ કાયદો હાથમાં લીધો: સાંસદ ગેનીબેન ઠાકોર
મીડિયા સમક્ષ બોલતા સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે ૧૨મી તારીખે ભાજપ મહિલા મોર્ચા અને કાર્યકરો પૂર્વ આયોજિત કાવતરા મુજબ શાહી લઈને કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવા આવ્યા હતા અને રાહુલ ગાંધીના પોસ્ટર પર શાહી ફેંકી વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યું હતું. જો તેમને કોઈ વાંધો હતો તો કાયદાકીય રીતે પોલીસ સ્ટેશન કે બંધારણીય સંસ્થાઓમાં ફરિયાદ કરવી જોઈતી હતી, પરંતુ તેના બદલે સીધો કાર્યાલયમાં ઘૂસી મહિલા કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો. તેમણે ઉમેર્યું કે ભાજપના હોદ્દેદારોના રાજકીય દબાણ હેઠળ આવી પોલીસે રાધનપુર નગરપાલિકાના મહિલા કોર્પોરેટર સહિત કોંગ્રેસની બે બહેનો સામે ખોટી રીતે આઈપીસી કલમ ૩૨૬ જેવી અતિ ગંભીર કલમ દાખલ કરી ધરપકડ કરી છે, જ્યારે કોંગ્રેસ દ્વારા અપાયેલી અરજી પર હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી.

પરમિશન વગર પહોંચેલી ભાજપની મહિલાઓને પોલીસે કેમ ન રોકી?: ડૉ. કિરીટ પટેલ


ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, કોઈપણ મંજૂરી વગર ભાજપની મહિલા કાર્યકરો છેક કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચી ગઈ છતાં પોલીસે તેમને રોકવાની તસદી ન લીધી. રાહુલ ગાંધી વિપક્ષ નેતા તરીકે બંધારણીય પદ ધરાવે છે અને તેમનું સન્માન જાળવવું પોલીસની ફરજ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે શાહી પડવાથી મહિલાઓ બેભાન થઈ ગઈ કે આંખે અંધાપો આવી ગયો તેવા તદ્દન ખોટા અને હાસ્યાસ્પદ દાવાઓ ઊભા કરી, ધારપુર હોસ્પિટલના તબીબો મારફતે ખોટી ભલામણો કરાવીને કોઈપણ પ્રાથમિક તપાસ વિના કોંગ્રેસ કાર્યકરો પર ૩૨૬નો ગુનો થોપી દેવાયો છે.
કોંગ્રેસ નેતાઓની વહીવટીતંત્ર સમક્ષ મુખ્ય માંગણીઓ:

  • કોંગ્રેસની મહિલા કાર્યકરો સામે લગાવવામાં આવેલી કલમ ૩૨૬ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.
  • કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરનાર ભાજપના ઈસમો વિરુદ્ધ કલમ ૩૦૭ સહિતની કલમો હેઠળ તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે.
  • કોંગ્રેસની નિર્દોષ મહિલાઓને જામીન મળે તે માટે પોલીસ વિભાગ આજે જ કોર્ટમાં જરૂરી એફિડેવિટ રજૂ કરે.
    ન્યાય નહીં મળે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉગ્ર આંદોલન છેડાશે
    બંને નેતાઓએ વહીવટીતંત્રને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, પોલીસની આ બેધારી નીતિ હવે સહન કરવામાં નહીં આવે. જો પોલીસ તંત્ર તટસ્થતા દાખવી તાત્કાલિક ન્યાય નહીં આપે, તો પાટણ અને બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી કાર્યકરો એકઠા થઈ પોલીસ મથકે ધરણા પર બેસશે અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે. આ મામલે બંને અગ્રણીઓએ જિલ્લા પોલીસ વડા (SP) સમક્ષ રૂબરૂ પહોંચી ન્યાયિક કાર્યવાહીની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here