પ્રગતિ મેદાન ખાતે સ્થાનિક ઉત્પાદકો અને કારીગરોને સીધું બજાર પૂરું પાડવા નવતર પહેલ; NYCS જનનિધિ સંસ્થાના સ્ટોલ પર પ્રકૃતિક મસાલા અને ખાદીના વસ્ત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા
પાટણ: સ્થાનિક કારીગરો, ગૃહ ઉદ્યોગો અને નાના વેપારીઓને આર્થિક રીતે સદ્ધર બનાવવા તેમજ તેમની બનાવટોને સીધું બજાર પૂરું પાડવાના ઉમદા ઉદ્દેશ સાથે પાટણ નગરપાલિકા દ્વારા ઐતિહાસિક નગરી પાટણ ખાતે ભવ્ય ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી’ના સંકલ્પને સાકાર કરવા પાટણવાસીઓ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
આ મેળાનો મુખ્ય હેતુ મધ્યસ્થીઓ વગર સ્થાનિક ઉત્પાદકોને ગ્રાહકો સાથે સીધો સંપર્ક કરાવી આપી રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો છે. મેળામાં રાજ્ય અને દેશના વિવિધ પ્રદેશોની વિશિષ્ટ ચીજવસ્તુઓના આકર્ષક સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા છે.
NYCS જનનિધિ સંસ્થાનો સ્ટોલ નંબર ૨૨ મુખ્ય આકર્ષણ મેળામાં સ્ટોલ નંબર ૨૨ પર NYCS જનનિધિ સંસ્થા દ્વારા આકર્ષક પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ સ્ટોલ પર શુદ્ધ ખાદીના વસ્ત્રો અને ખાદીની વિવિધ કલાકૃતિઓ, કેરળના સ્વાદિષ્ટ અને પ્રખ્યાત અસલ મરી-મસાલા, ઓર્ગેનિક દેશી ગોળ તેમજ ગોળનો પાવડર (ખાંડનો ઉત્તમ વિકલ્પ) જેવી વિવિધ આરોગ્યપ્રદ તથા જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શુદ્ધ અને કુદરતી બનાવટોને લઈને નગરજનોમાં આ સ્ટોલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે લીધી મુલાકાત સ્વદેશી મેળાની મુલાકાત દરમિયાન પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીમતિ હિરલબેન ઠાકરે ખાસ ઉપસ્થિત રહી સ્ટોલ નંબર ૨૨ (NYCS જનનિધિ સંસ્થા)ની સવિશેષ મુલાકાત લીધી હતી. તેમણે સ્ટોલ પર ઉપલબ્ધ તમામ વસ્તુઓની બારીકાઈથી માહિતી મેળવી સંસ્થાના આ પ્રયાસની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી ભાવનાને પ્રોત્સાહન આપવા તેમણે જાતે ખાદીની વસ્તુઓની ખરીદી કરીને અન્યો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ચીફ ઓફિસરશ્રીએ પાટણના નગરજનોને મોટી સંખ્યામાં પ્રગતિ મેદાન ખાતે પહોંચી સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદી કરી સ્વદેશી ચળવળને વેગ આપવા ભાવભરી અપીલ કરી હતી.




