કાર્યકરો અને જનતાને નવા વર્ષની શુભકામના પાઠવી; કેન્દ્ર-રાજ્ય સરકારના કામો અને કાર્યકરોના બળે વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો

પાટણ: પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પરંપરા અનુસાર ભાજપ જીલ્લા કાર્યાલય ખાતે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપ અગ્રણી અને બોટાદ ભાજપ પ્રભારી દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, સ્નેહલ પટેલ(ચેરમેન એપીએમસી, પાટણ), પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત પક્ષના કાર્યકરો અને આગેવાનોએ પરસ્પર રામ-રામ અને જય શ્રીકૃષ્ણ પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી.
કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા ભાજપ જીલ્લા પ્રમુખ રમેશ સિંઘવે જણાવ્યું હતું કે, દર વર્ષની પરંપરા મુજબ નવા વર્ષે તમામ કાર્યકર્તાઓને મળીને આવનારું વર્ષ સૌ માટે સફળ અને પ્રગતિકારક નીવડે તે માટે પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી છે. તેમણે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની જનતાને પણ નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સાથે તેમણે આગામી વિધાનસભા ચૂંટણી સંદર્ભે પક્ષનો દાવો મજબૂત કરતાં જણાવ્યું કે, “અમારા લાખો કાર્યકર્તાઓની પક્ષ પ્રત્યેની અડગ નિષ્ઠા, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના શીર્ષસ્થ નેતૃત્વના સેવાકીય કાર્યો અને જનકલ્યાણની નીતિઓના જોરે આગામી ચૂંટણીમાં ભાજપ પાટણ જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો પર ભવ્ય વિજય પ્રાપ્ત કરશે.”

સ્નેહમિલન કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ભાજપ અગ્રણી અને ભામાશના હુલામણા નામ થી ઓળખાતા મંગાજી ઠાકોરે નવા વર્ષના પાવન અવસર નિમિત્તે તમામ મિત્રો, સ્નેહીઓ અને જાહેર જનતાને બેસતા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છછે તેમણે સૌને “નૂતન વર્ષાભિનંદન” અને “રામ રામ” પાઠવતા જણાવ્યું હતું કે, આવનારું આ નવું વર્ષ દરેક નાગરિકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના છે. તેમણે સૌને અંતઃકરણપૂર્વક આદર સાથે નવા વર્ષના રામ રામ પાઠવી “જય દ્વારકાધીશ”ના નારા સાથે સૌના મંગલમય ભવિષ્યની અભ્યર્થના વ્યક્ત કરી હતી.
સ્નેહમિલન સમારોહમાં સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લામાં પક્ષને વિજયી બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા…




