પાટણ શહેર સહિત જિલ્લામાં હર ઘર તિરંગા ના આયોજન સંદર્ભે કલેકટર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ..

શાળાઓમાં વકતૃત્વ, ચિત્ર,રંગોળી અને ક્વીઝ સ્પર્ધાઓ સહિત રાષ્ટ્રભક્તિના અનેકવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાશે..

પાટણ તા. ૮
જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર તુષારભટ્ટના અધ્યક્ષસ્થાને ‘હર ઘર તિરંગા’ આયોજન સંદર્ભે શુક્રવારે બેઠક યોજાઇ હતી. જેમાં આ વર્ષે હર ઘર તિરંગાની સાથે હર ઘર સ્વચ્છતાની થીમ પણ રહેશે,સ્વચ્છતાઅભિયાનને લગતી જનજાગૃત્તિ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જિલ્લામાં ૧૩ મી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા યોજાશે ઉપરાંત શાળાઓમાં વકતૃત્વ, ચિત્ર, રંગોળી અને ક્વીઝ સ્પર્ધાઓ સહિત રાષ્ટ્રભક્તિના અનેકવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
દેશના સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સમગ્ર દેશ, રાજ્ય અને પાટણ જિલ્લો દેશભક્તિના રંગે રંગાશે. સમગ્ર જિલ્લામાં ‘હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં ગ્રામ્ય, નગર પાલિકા અને તાલુકા કક્ષાએ અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
પાટણ ખાતે ૧૩ મી ઓગસ્ટના રોજ તિરંગા રેલી યોજાશે, તિરંગા યાત્રામાં પદાધિકારીઓ સાથે જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ,પોલીસ જવાનો,સામાજિક સંસ્થાઓ સહિત નગરજનો પણ જોડાશે. જિલ્લાના નાગરિકોને આ કાર્યક્રમમાં હર્ષભેર જોડાવા માટે જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર સહિત જિલ્લાના અધિકારીઓ,વિવિધ એનજીઓ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here