ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ ખાતે આજે ૨૧ જૂન ૨૦૨૬ ના રોજ પાટણ કલેક્ટર કચેરી દ્વારા આયોજિત ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સરસ્વતી તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ. આ વર્ષની યોગ દિવસની થીમ “સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ” અનુલક્ષીને યોજાયેલા કાર્યક્રમમાં સરસ્વતી તાલુકા મામલતદાર કચેરીના સભ્યો, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશભાઈ પ્રજાપતિ, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ, સરસ્વતી તાલુકા પોલીસ વિભાગ તેમજ રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેકટર ડો. સુમિત શાસ્ત્રી સહિત તમામ સભ્યો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોએ એમ ૨૦૦ જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો.

યોગ નિષ્ણાત શ્રીમતી અસ્મિતાબેન ભાટી અને શ્રીમતી કમળાબેન જોશીએ સહભાગીઓને યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિવિધ યોગાસનો અને પ્રાણાયામનું પ્રાયોગિક નિદર્શન કરાવ્યું હતું. તેમણે નિયમિત યોગાભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા તેમજ વધતી ઉંમરમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના મહત્વ વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમની સાથે ટેકનોલોજીના માધ્યમ થી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે યોગ દિવસના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. સહભાગીઓએ યોગ વિશે જાણી અને તેનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવીને ખૂબ ઉત્સાહ અનુભવ્યો હતો. રાષ્ટ્રગાન સાથે યોગ સત્ર પૂર્ણ થયા પછી, બધા સહભાગીઓને લીંબુ શરબત પીરસવામાં આવ્યું હતું.




