પાટણ
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક (IGP) શ્રી ચિરાગ કોરડીયા તેમજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી વી. કે. નાયીના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલ મુદ્દામાલના નિકાલ માટે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સિદ્ધપુર ડિવિઝન હેઠળના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) અને બિયરના ટીન મળી કુલ રૂ. ૧,૦૬,૧૯,૭૨૫/- ની કિંમતના મુદ્દામાલનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો છે.

નામદાર કોર્ટની મંજૂરી બાદ થઈ કાર્યવાહી
પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર, સિદ્ધપુર ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા પ્રોહિબિશનના કુલ ૩૭ ગુનાઓનો આ જથ્થો હતો. આ તમામ મુદ્દામાલનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી કાયદેસરનો હુકમ મેળવવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ પોલીસ સ્ટેશન દીઠ ગુનાઓની વિગત મુજબ
- કાકોશી પોલીસ સ્ટેશન: ૧૧ ગુના
- સરસ્વતી પોલીસ સ્ટેશન: ૧૧ ગુના
- વાગડોદ પોલીસ સ્ટેશન: ૧૦ ગુના
- બાલીસણા પોલીસ સ્ટેશન: ૦૩ ગુના
- રણુંજ પોલીસ સ્ટેશન: ૦૨ ગુના


ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લેવાયો નિર્ણય
આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં પાટણ અને સિદ્ધપુરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) ના વડપણ હેઠળ સિદ્ધપુર વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્રસિંહ બી. સોલંકી, પાટણ જિલ્લા નશાબંધી અને આબકારી અધિકારી તેમજ સંબંધિત થાણા ઇન્ચાર્જ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ચોરમારપુરા ખાતે બુલડોઝર ફેરવી દેવાયું
સરસ્વતી તાલુકાના મોજે-ચોરમારપુરા ગામની સરકારી પડતર ખરાબાની જમીનમાં, સરકારી ગોડાઉનની પાછળ અને સુજનીપુર રોડ નજીક આ તમામ મુદ્દામાલ એકત્રિત કરવામાં આવ્યો હતો. ત્યાં કુલ ૩૪,૯૦૩ નંગ વિદેશી દારૂની બોટલો અને ટીન પર રોડ રોલર અને બુલડોઝર ફેરવીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.




