પાટણ: પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશન તેમજ અરવલ્લી જિલ્લાના મેઘરજ અને બાયડ તથા સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી અજયકુમાર કનૈયાલાલ કહારને પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હિંમતનગર ખાતેથી દબોચી લીધો છે.
બનાસકાંઠા રેન્જ, પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ તથા પાટણ જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લાના તેમજ અન્ય રાજ્યો અને જિલ્લાઓના ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પાટણ LCBના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ખૂન, લૂંટ, ધાડ, બળાત્કાર, સાયબર ક્રાઈમ અને છેતરપિંડીના નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ વર્કઆઉટ શરૂ કર્યું હતું.
હારીજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૫૪ મુજબના ગુનાની વિગત મુજબ, આરોપીઓએ ફરિયાદીનું ડમ્પર (નંબર GJ 24 X 5588, કિંમત રૂ. ૨૯,૩૬,૪૦૦/-) તથા સાહેદ અરવિંદજીનું ડમ્પર (નંબર GJ 12 BW 9606, કિંમત રૂ. ૨૮,૪૯,૨૦૦/-) વેચાણ કરાર કરી ખરીદ્યું હતું. ત્યારબાદ ફરિયાદી તથા સાહેદને તેમના ડમ્પર કે તેની નક્કી થયેલી પૂરેપૂરી રકમ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.
આ ગુનામાં સંડોવાયેલ આરોપી અજયકુમાર કનૈયાલાલ કહાર (રહે. એફ/૧૮૪, રાજલક્ષ્મી સોસાયટી, શિવમ વિદ્યાલય પાસે, આજવા રોડ, ઓપોઝીટ કમલા નગર, વડોદરા) હિંમતનગર ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતાં LCBની ટીમે તેને ઝડપી પાડ્યો હતો અને આગળની કાયદેસરની તપાસ માટે હારીજ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
પકડાયેલ આરોપી અજય કહાર સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તે પાટણ શહેર ‘બી’ ડિવિઝન, વડોદરા શહેરના કિશનવાડી, વલસાડ રૂરલ, અરવલ્લીના ધનસુરા અને મોડાસા ટાઉન, વડોદરા ગ્રામ્યના દેસર, ભરૂચના રાજપારડી તથા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, દસ્તાવેજી બનાવટ તેમજ પ્રોહિબિશન સહિતના ૧૦ જેટલા ગુનાઓમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ઉપરાંત, તે હારીજ ઉપરાંત મેઘરજ, બાયડ અને કામરેજ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનાઓમાં પણ વોન્ટેડ હતો.
આ સફળ કામગીરીમાં પાટણ LCBના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પી.વી. ચૌધરી, તેમજ અનાર્મ હેડ કોન્સ્ટેબલ કુલદીપકુમાર લક્ષ્મીદાસ, લખનકુમાર અમૃતભાઈ, હસમુખસિંહ અમરાભાઈ અને સતિષકુમાર અમથાભાઈ જોડાયા હતા.




