લુંટના આરોપીઓને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ

કુકસ રોડ પર ક્રિકેટ રમી પરત ફરતા યુવકને આંતરી રૂ. ૧૦,૬૦૦ની લૂંટ ચલાવી હતી

મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે લોખંડના ધારિયા અને રોકડ રકમ સાથે બંને શખ્સોને દબોચ્યા

મહેસાણા:
મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવાની પોલીસની નેમ વચ્ચે, કુકસ રોડ પર ધોળા દિવસે હથિયાર બતાવી લૂંટ ચલાવનાર બે રીઢા ગુનેગારોને મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટેલી રોકડ રકમ અને ગુનામાં વપરાયેલું ધારિયું કબજે કર્યું છે.
ધોળા દિવસે યુવક પર હુમલો કરી લૂંટ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તા. ૨૧/૦૬/૨૦૨૬ના રોજ બપોરના આશરે બે વાગ્યાના સુમારે એક યુવક પોતાના સ્પ્લેન્ડર બાઇક (નંબર GJ-02-DR-3387) પર કુકસ ગામ તરફ જતા જાહેર રોડ પરથી ક્રિકેટ રમીને ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં (૧) રાવળ વિનય ઉર્ફે વીનીયો સુરેશભાઇ (રહે. મહેસાણા કસ્બા) અને (૨) ઝાલા પ્રદીપ રણજીતસિંહ (રહે. મહેસાણા) નામના બે શખ્સોએ તેને આંતર્યો હતો.
બંને શખ્સોએ યુવક સાથે ગાળાગાળી તેમજ ઝપાઝપી કરી લોખંડના ધારિયા વડે હુમલો કરી તેને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ યુવકના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રૂ. ૧૦,૬૦૦/- ની રોકડ રકમ પડાવી લીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૩૦૯(૬), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા જી.પી. એક્ટ-૧૩૫ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
ગુપ્ત બાતમીના આધારે દિલધડક ઓપરેશન
મહેસાણા જીલ્લામાં બનતા શરીર સંબંધી તેમજ મિલ્કત સંબંધી ગુના અટકાવવા ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા એસપી શ્રી હિમાંશુ સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલાપ પટેલ દ્વારા અપાયેલી સૂચનાના આધારે પી.આઇ. આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદીપકુમાર પ્રભુદાસ અને કોન્સ્ટેબલ મનિષકુમાર બાબુભાઇ નાઓને સંયુક્ત બાતમી મળી હતી કે સદર ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ મહેસાણા કસ્બા દેવીપૂજકવાસના નાકે હાજર છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત ત્રાટકીને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને દબોચી લીધા હતા. તેમની પાસેથી લૂંટની તમામ રોકડ (રૂ. ૧૦,૬૦૦/-) અને હુમલામાં વપરાયેલું લોખંડનું ધારિયું કબજે કરવામાં આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓનો હિસ્ટ્રીશીટ ટ્રેક રેકોર્ડ
પોલીસ રેકોર્ડની ચકાસણી કરતા સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે:
રાવળ વિનય ઉર્ફે વીનીયો સુરેશભાઇ:
આ આરોપી અગાઉ મહેસાણા શહેર ‘એ’ અને ‘બી’ ડિવિઝનમાં ચોરી, ઘરફોડ ચોરી, મારામારી, જી.પી. એક્ટના ઉલ્લંઘન તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ આશરે ૭ જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
ઝાલા પ્રદીપ રણજીતસિંહ (રહે. પટ્ટાવાળાની ચાલી, મહેસાણા): આ આરોપી વિરુદ્ધ પણ અગાઉ મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન અને અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મારામારી, ધમકી અને હથિયારબંધીના ભંગના ગુના નોંધાયેલા છે.
પોલીસ ટીમવર્કની સફળતા
આ ગુનાનો ભેદ ઉકેલવામાં પી.એસ.આઈ. જે.આર. જાડેજા, એ.એસ.આઈ. કૌશિકભાઈ, હેડ કોન્સ્ટેબલ જયદીપકુમાર, કોન્સ્ટેબલ પિયુષભાઈ, સંકેતકુમાર, કંદર્પકુમાર, તરૂણકુમાર, અબ્દુલગફાર, કલ્પેશકુમાર, મનિષકુમાર, ચેતનકુમાર અને ધવલકુમાર સહિતની સર્વેલન્સ સ્ક્વોડની ટીમે પ્રશંસનીય અને સરાહનીય ટીમવર્ક દાખવ્યું હતું. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here