શંખેશ્વરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ₹૧.૬૦ લાખના સોના-ચાંદીના મુદ્દામાલ સાથે બે તસ્કરોને ઝડપી પાડતી પાટણ SOG

પાટણ:
બનાસકાંઠા રેન્જના ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક (I/C IG) ચિરાગ કોરડિયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વી. કે. નાયી દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલી સૂચના મુજબ પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મોટી સફળતા મળી છે. શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ટીમે ₹૧,૬૦,૭૫૦/- ની કિંમતના સોના-ચાંદીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પાટણ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર જે. જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે બે ઇસમો ચોરીના સોના-ચાંદીના દાગીના વેચવા માટે સમી-શંખેશ્વર હાઇવે પર આવેલા રૂની ગામના બસ સ્ટેન્ડ પાસે ઊભા છે. પોલીસે સ્થળ પર પહોંચી બંનેની અટકાયત કરી તલાશી લેતાં સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. આ બાબતે સઘન પૂછપરછ કરતાં તેઓએ રણોદ ગામના રહેવાસી બજાણીયા બચુભાઇ પચાણભાઇના ઘરેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પકડાયેલા આરોપીઓ:
સુનિલભાઇ રાજુભાઇ બજાણીયા (રહે. રણોદ, તા. શંખેશ્વર, જિ. પાટણ)
અજયભાઇ ઝેણાભાઇ બજાણીયા (રહે. રણોદ, તા. શંખેશ્વર, જિ. પાટણ)
કબજે કરાયેલો ચોરીનો મુદ્દામાલ (કુલ કિંમત ₹૧,૬૦,૭૫૦/-):
ચાંદીનો ચોરસો (રણી) – વજન ૩૭૬ ગ્રામ (આશરે કિં. ₹૮૫,૨૦૦/-)
ચાંદીનો કંદોરો – વજન ૧૦૨ ગ્રામ (આશરે કિં. ₹૨૩,૫૦૦/-)
ચાંદીનો ડબલ નાકા વાળો ઝૂડો – વજન ૫૯ ગ્રામ (આશરે કિં. ₹૧૩,૮૦૦/-)
ચાંદીના પોલા કડલા નંગ-૨ – વજન ૫૪ ગ્રામ (આશરે કિં. ₹૧૨,૦૦૦/-)
ચાંદીની જીવનદોરી – વજન ૪૯ ગ્રામ (આશરે કિં. ₹૧૧,૪૦૦/-)
ચાંદીનું મંગળસૂત્ર – વજન ૪૯ ગ્રામ (આશરે કિં. ₹૧૧,૪૦૦/-)
સોનાનું ‘ઓમ’ લખેલ પેન્ડલ – વજન ૦.૨૮૦ મિલિગ્રામ (આશરે કિં. ₹૩,૩૦૦/-)
સોનાની નાકની ચૂની – વજન ૦.૦૮૦ મિલિગ્રામ (આશરે કિં. ₹૧૫૦/-)
શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ નોંધાયેલા ગુના અંતર્ગત બંને આરોપીઓ અને મુદ્દામાલ આગળની તપાસ માટે શંખેશ્વર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી. પીઆઈ જે. જી. સોલંકી, પીએસઆઈ ડી. કે. ચૌધરી, પીએસઆઈ એ. પી. ઠાકોર તેમજ એ.એસ.આઈ. શૈલેષકુમાર રામજીભાઇ, એ.એસ.આઈ. બળદેવસિંહ પ્રવિણજી, હેડ કોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ રંભાજી બાલાજી, હેતુભા લક્ષ્મણજી તથા ભરતજી હમીરજી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here