પાટણ:
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણ ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે આશરે ૪૮ વિદ્યાર્થીઓએ શિક્ષક, આચાર્ય, સુપરવાઇઝર, કારકુન તથા સેવકની ભૂમિકા નિભાવી શાળાની વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. સમૂહ પ્રાર્થના, વિવિધ શૈક્ષણિક-સર્જનાત્મક સ્પર્ધાઓ તથા શિક્ષણકાર્યમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકની જવાબદારી, શિસ્ત, સેવા અને નેતૃત્વનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો હતો. વિદ્યાર્થીઓએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન અને શિક્ષણવિષયક વિચારો રજૂ કર્યા હતા. આચાર્યશ્રી પ્રજાપતિ દિયાબેને જણાવ્યું હતું કે, “શિક્ષક માત્ર જ્ઞાન આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં વિચાર, સંસ્કાર અને સફળતાની દિશા આપે છે. શિક્ષક રાષ્ટ્રના ઘડવૈયા છે.” આ પ્રસંગે વિદ્યાર્થી રિદ્ધિ દેસાઈએ સુંદર ચિત્રકૃતિ તૈયાર કરી શાળાને અર્પણ કરી હતી. અંતે શાળાના આચાર્યશ્રી ડૉ. બી. આર. દેસાઈએ શિક્ષક દિન નિમિત્તે તમામ શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓને શિક્ષકની ભૂમિકા અનુભવવાની તક આપતી આ ઉજવણી શિક્ષણ સાથે સંસ્કાર, જવાબદારી અને નેતૃત્વનો સુંદર સંદેશ આપી ગઈ હતી.




