રૂ.55 હજાર દંડ અને ભોગ બનનાર ને રૂ. 3 લાખ વળતર ચુકવવા આદેશ…
પાટણ તા. 20
ચાણસ્મા પંથકની એક સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પાટણની સ્પેશિયલ પોક્સો (સેશન્સ) કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ભરત મંછાભાઈ દેવીપૂજક ને દોષિત ઠેરવી દસ વર્ષની સખ્ત કેદની સજા સાથે કુલ રૂ.55 હજાર નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો આદેશ અપાયો છે.
આ કેસમાં સરકારી વકીલ જિતેન્દ્રભાઈ જે. બારોટે રજૂઆત કરી હતી. કોર્ટે આરોપીને IPC કલમ 363/366 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂ. પાંચ હજારનો દંડ તથા POCSO એક્ટની કલમ 3(એ),4,5(જે)(2),5 (એલ),6 અંતર્ગત દસ વર્ષની સખ્ત કેદ અને રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરાય તો વધારાની કેદની સજાનો પણ હુકમ કરાયો છે.
આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનાર સગીરાને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ.3 લાખનું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરી છે. પાટણની પોક્સો કોર્ટના જજ બિપીનભાઈ કે. બારોટે પોતાના 21 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, સમગ્ર પુરાવા પરથી એવું નિશંકપણે પુરવાર થયું છે કે ભોગ બનનાર સગીરા હતી અને તે સંમતિ આપવાને લાયક નહોતી.સગીરા પોતાનું સારું-નરસું વિચારી શકે તેમ ન હોવા છતાં આરોપી ભરતભાઈ મંછાભાઈ દેવીપૂજકે તે સગીર હોવાનું જાણવા છતાં તેનું અપહરણ કરીને અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જેના પરિણામે ભોગ બનનાર એક બાળકની માતા બની છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં લેતા આરોપી દયાને પાત્ર જણાતા નથી.
આ કેસમાં કોર્ટે ફરિયાદ પક્ષના 8 મૌખિક અને 26 દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા હોવાનું સુત્રો એ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



