પાટણના સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ મથકે નોંધાઈ ગંભીર ગુનાની ફરિયાદ
આરોપીઓએ સગીરાને લાલચ આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી, ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી
પાટણ (સિદ્ધપુર):
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ મથક હદ વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને ગંભીર ઘટના સામે આવી છે. કાકોશી ગામે રહેતી ૧૫ વર્ષ અને ૬ માસની સગીર વયની દીકરીને લાલચ અને વિશ્વાસમાં લઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ પ્રકરણે એક મહિલા સહિત કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
કેવી રીતે આચરવામાં આવ્યો ગુનો?
કાકોશી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, રંજનબેન પરમાર નામના આરોપીએ ભોગ બનનાર સગીરાને વિશ્વાસ તેમજ લાલચ આપીને પોતાના માણસ વાદી અમન વિક્રમભાઈ સાથે સંબંધ બાંધવા માટે સમજાવી હતી. ત્યારબાદ, રંજનબેનના ઘરે તેમજ અન્ય સ્થળોએ સગીરાને વાદી અમન સાથે મોકલી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેના બિભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય આરોપી હરેશ પરમાર સાથે પણ સગીરાને મોકલી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેનો વિડિયો ઉતારવામાં આવ્યો હતો.
અવાવરુ ઓરડી અને નહેર પાસે અત્યાચાર
તારીખ ૦૫/૧૦/૨૦૨૬ ના રોજ સાંજના સમયે વાદી અમન દ્વારા ગાંગલાસણ ગામ નજીક આવેલી એક અવાવરુ ઓરડીમાં સગીરા પર દુષ્કર્મ આચરી તેને માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વાદી અમનના કાકાએ પણ ગાંગલાસણ પુલ નજીક નહેર પાસે સગીરા સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ તમામ આરોપીઓએ સગીરાને જો આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એકબીજાને મદદગારી કરી હતી.
પોલીસ કાર્યવાહી અને કલમો
આ સમગ્ર માને ગંભીરતાથી લઈને કાકોશી પોલીસ મથકે બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ ૬૪(૨)(એમ), ૬૫(૧), ૫૪, ૩૫૧(૩), ૧૧૫(૨) તેમજ પોક્સો એક્ટની કલમ ૪(૨), ૫(એલ), ૬ અને ૧૭ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની સઘન તપાસ હાથ ધરી છે.




