૧૩૫ પાટણવાડા વણકર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ મહેસાણાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ અને જી. બી. પરમારના સારા વિચારને સમર્થન આપી પ્રમુખસ્થાને વિચારણા માટે જણાવાયું

૧૩૫ પાટણવાડા વણકર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ, મહેસાણાની નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ ની વાર્ષિક સાધારણ સભા તારીખ ૧૮-૧૦-૨૦૨૬, રવિવારના રોજ પ્રમુખ અજયચંદ્ર ડી. સુતરિયાના અધ્યક્ષ સ્થાને સિદ્ધાર્થ વિદ્યાલય સંકુલ, મહેસાણાના સભાખંડ ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી. આ બેઠકમાં નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ નો ખાસ અહેવાલ રજૂ કરાયો હતો, જેમાં પાટણ શહેર અને વિવિધ ગામોના સામાજિક આગેવાનો તેમજ ટ્રસ્ટના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સભા દરમિયાન ૧૩૫ પાટણવાડા વણકર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ (સિદ્ધાર્થ સ્કૂલ) સંસ્થામાં નવીન કારોબારીની રચના કરવા અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ૯૦ દિવસની અંદર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. સભામાં હાજર સભ્યોમાંથી સર્વસંમતિથી મોટીદાઉ ગામના રમેશભાઈ ભલજીભાઈ પરમાર અને ધીણોજ ગામના સુદેશભાઈ ઓખાભાઈ અમીનની ચૂંટણી અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ચર્ચા-વિચારણા દરમિયાન પાટણ શહેર નાનીસરાયના આગેવાન જી. બી. પરમાર દ્વારા સંસ્થાના સુચારુ સંચાલન અને હિત માટે અત્યંત સરાહનીય વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે પૂર્વજોની દુરંદેશી અને કાર્યોને યાદ કરતા જણાવ્યું કે, સંસ્થાના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો માટે સતત બે ટર્મથી વધુ સમય રહેવા પર યોગ્ય મર્યાદા હોવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ કારોબારી કે હોદ્દા પર બે ટર્મથી વધુ સમય એક જ વ્યક્તિ રહેવાના બદલે અન્ય સક્ષમ સભ્યોને પણ સમાજસેવા કરવાની તક મળવી જોઈએ.
બેઠકમાં ઉપસ્થિત સભ્યો દ્વારા જી. બી. પરમાર દ્વારા રજૂ કરવામાં આવેલા આ સારા વિચારને ઉત્સાહપૂર્વક સમર્થન આપવામાં આવ્યું હતું. તેમજ સંસ્થાના પ્રમુખસ્થાને આ મહત્વપૂર્ણ વિચાર પર ગંભીરતાથી વિચારણા કરવા માટે વિશેષરૂપે જણાવવામાં આવ્યું હતું. બેઠકમાં હાજર તમામ વડીલો, આગેવાનો અને ટ્રસ્ટના સભ્યોએ રમેશભાઈ પરમાર અને સુદેશભાઈ અમીનની ચૂંટણી અધિકારી તરીકેની નિમણૂકને પણ વધાવી લીધી હતી.
૧૩૫ પાટણવાડા વણકર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ મહેસાણાની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીનું સંચાલન વાંચન નટવરલાલ મચ્છાવડા એ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here